પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫ ]


તે પછી અદાલતની કામગીરી મુલતવી રાખવાની અરજ શ્રી ભુલાભાઈએ કરી અને કહ્યું કે, છેલ્લા એક મહિના જેટલી ટુંકી મુદત દરમિયાન તમામ પુરાવાઓ અને હકીકતો મેળવવાનું કે તેની તુલના કરવાનું બચાવપક્ષથી બની શકયું નહોતું. ૧૧૨ સાક્ષીઓમાંથી હજી ૮૦ થી પણ વધુની મુલાકાત લેવાની બાકી છે. મલાયાના યુદ્ધ વિશેનો ફીલ્ડ–માર્શલ વેવલનો અહેવાલ અને બીજા સંખ્યાબંધ અગત્યના અહેવાલો મેળવવાના હજી બાકી છે. ખટલો આવો અજોડ હોઈને તેમજ કાયદાની આંટીઘૂંટીઓ એમાં સંડોવાયેલી હોઈને ત્રણ અઠવાડિયાની મુદત પાડવી જરૂરી છે એમ એમણે દલીલ કરી.

સરકારી વકીલ સર નોશીરવાન એન્જીનિયરે મુદત પાડવા સામે વાંધો લીધો નહિ પણ એવી ઇચ્છા દર્શાવી કે ફરિયાદપક્ષની રજૂઆત પોતે શરૂ કરી દે અને એક સાક્ષીની જુબાની લેવાઈ જાય ત્યારબાદ મુદત પાડવી. બચાવપક્ષને મુશ્કેલીમાં મૂકવાની એમની મુદ્દલ ઇચ્છા નથી, અને ફરિયાદપક્ષ તરફથી બચાવપક્ષને એકેએક સગવડ કેવી રીતે અપાઈ રહી છે તે તેમણે સમજાવ્યું.

ત્યારપછી અદાલત જરાવાર માટે ઊઠી. પાછા ફરીને પ્રમુખશ્રીએ કહ્યું કે કોઈ દિવાની કોર્ટની માફક લશ્કરી અદાલતમાં વખતોવખત મુદત પાડી શકાય નહિં. લશ્કરી કાનૂન પ્રમાણે લશ્કરી અદાલતને પોતાની કામગરી રોજબરોજ બજાવવાની હોય છે. અદાલતના સભ્યોને સારા પ્રમાણમાં પોતાનાં જ કામનો બેાજો રહે છે અને તે ઉપરાંત આ અદાલતના સભ્યો તરીકેની ફરજ પણ એમણે બજાવવાની હોય છે. ઈન્સાફની મુખ્ય જરૂરિયાતોમાંની એક એ છે કે તે ઝડપી હોવો જોઈએ એમ પણ તેમણે કહ્યું. પણ સંજોગોને લક્ષમાં લેતાં અમુક મુદત પાડવી જરૂરી લાગે છે એ એમણે કબૂલ કર્યું. સર નેાશીરવાનની સૂચના મુજબનો માર્ગ લેવો એ ખુદ તહોમતદારના લાભમાં હોવાનું તેમણે જણાવ્યું.

તે પછી સરકારી વકીલ સર નોશીરવાને ફરિયાદપક્ષને રજૂ કરતું પોતાનું લાંબુ ભાષણ વાંચી સંભળાવ્યું.