પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૨૪ ]

આવેલા. શરૂઆતમાં નીસૂન છાવણીમાં ચાર ઇસ્પિતાલો હતી અને છાવણીમાંના તમામ કેદીઓની સારવાર એ કરતી. પાછળથી અમુક ઇસ્પિતાલોને બિદાદરી અને સેલેટારની છાવણીઓમાં મોકલવામાં આવેલ.

બરમા, ફિલિપાઈન્સ, હોંગકોંગ, સુમાત્રા, જાવા, સેલેબસ, બોર્નીઓ, શાંઘાઈ, કેન્ટન, હિંદી-ચીન-આખાય દૂર પૂર્વમાંથી આવેલા ૧૧૦ પ્રતિનિધિઓની હાજરીવાળી બેંગકોક પરિષદમાં હું હાજર હતો.

પરિષદમાં ૬૦ કે ૭૦ ઠરાવો પસાર થયેલા મુખ્ય ઠરાવમાં તમામ હિંદીઓને અને ખાસ તો નાગરિકોને સંગઠિત બનવાનો અને પોતાના જાનમાલની સલામતી જાળવવા માટે તથા પોતાની સામાન્ય આબાદી માટે એક સંસ્થા રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. હિન્દી સ્વાતંત્ર્ય સંઘ નામની એક સંસ્થા નીચે એ પ્રમાણે સંગઠિત બનવાનું હતું અને તેની જુદી જુદી શાખાઓને સંઘની પ્રાદેશિક અથવા સ્થાનિક શાખાઓ કહેવાતી હતી. એક ઠરાવમાં એક લશ્કર ઊભું કરવાની માગણી કરાઈ હતી. ઠરાવમાં એમ જાહેર કરવામાં આવ્યું હતું કે સ્વાતંત્ર્ય સંઘ તરફથી જે કાંઈ થાય તે હિંદી રાષ્ટ્રીય મહાસભાની પ્રવૃત્તિઓને અનુરૂપ હોવું જોઈએ. એવી સમજણ હતી કે કોંગ્રેસ જ્યારે એમને હિંદમાં આવવાનું કહે ત્યારે એમ કરવા માટે એમણે પગલાં લેવાં જોઈએ.

આ૦ હિં૦ ફો૦ના 'જી. ઓ. સી.' કેપ્ટન મોહનસીંઘ અને હિંદી સ્વાતંત્ર્ય સંઘ તથા કાર્યવાહક સમિતિના પ્રમુખ શ્રી રાશબિહારી બોઝ વચ્ચેના સંબંધો બહુ સુખદ નહોતા, મારી પોતાની જાતમાહિતી એવી છે કે જાપાનીઓ સાથે લાંબા કાળથી પોતે રહ્યા હતા તેથી શ્રી રાશબિહારી બોઝ જાપાનીઓને હાથે દોરવણી પામવા અને એમના નિયંત્રણમાં રહેવાના મતે ઢળેલા હતા. જ્યારે મોહનસીંઘને એમ લાગતું હતું કે જાપાનીઓ સાથે શ્રી રાશબિહારી બોઝ ચલાવી શકે તેથી વધુ કડક વર્તાવ રાખવો જોઈએ.