પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૪૭ ]



: ૧૭ :

૧૩ મી ડિસેંબર : ગુરુવાર

હિંદી સરકારના સામ્રાજ્ય-સંબંધ ખાતાના શ્રી નંદાએ અદાલતમાં કેટલાક સત્તાવાર આંકડા રજુ કર્યા. એમણે કહ્યું કે, જાપાન સાથેની લડાઈ શરૂ થઈ તે અગાઉ સત્તાવાર આંકડા મુજબ બરમામાં ૧૦,૧૭,૮૨૫ હિંદીએા હતા, મલાયામાં લગભગ ૮,૦૦,૦૦૦ હતા, થાઈલેંડમાં ૬૫,૦૦૦. હિંદી-ચીનમાં ૬,૦૦૦, હોંગકોંગનાં ૪,૭૪૫, ડચ ઈસ્ટ ઈંડીઝમાં ૬૫,૦૦૦, જેટલા અને જાપાનમાં લગભગ ૩૦૦ હિંદીએા હતા.

ઊલટ તપાસમાં એમણે જણાવ્યું કે સરકારી દફતરમાંની માહિતી મુજબ જાપાન સાથેની લડાઈ પછી જાપાનમાં માત્ર પ૪ હિંદીઓ રહ્યા હતા. જાપાન લડાઈમાં ઊતર્યું તે પછી આ બધા દેશોમાંથી કેટલા કેટલા હિંદીઓ બહાર નીકળી ગયા હતા તેના આંકડા એમની પાસે હતા નહિ.

તે પછી જમના વિસ્તારના વડા મથકના 'એ. એ. જી.' લેફ૦ ક૦ સ્કવેરની જુબાની આવી. ૧૯૪પની ૧૫મી જુલાઈએ લંડન રેડીઓ ઉપરથી લશ્કરી દળો માટેના કાર્યક્રમમાં એક બ્રોડકાસ્ટ થયેલો તેની વડા મથકના સિમલા વિભાગમાં સત્તાવાર રીતે જે નોંધ થઈ હતી તે એમણે રજુ કરીઃ–

'એ વાતની હવે પૂરતી સાબિતિ મળી ચૂકી છે કે ફ્રાંસમાંનાં જર્મન દળો ફ્રેંચ સામના દળના સભ્યોને દેશદ્રોહીઓ ગણે છે એ અંગે મિત્ર આક્રમણકારી સેનાના વડા મથકેથી સેનાપતિ આઇઝનહોવરને નામે કરાયેલી એક જાહેરાતમાં નીચેના ચાર મુદ્દાઓનો સમાવેશ થાય છે: (૧) સેનાપતિ કેનીંગના અંકુશ હેઠળના ફ્રાંસની અંદરનાં ફ્રેંચ દળો એ એક લડાયક દળ છે અને મિત્ર આક્રમણકારી સેનાનું એ એક અંગ છે. (૨) 'માકી'ને નામે ઓળખાતું ફ્રાંસની અંદરનું આ દળ દુશ્મન સામે ખુલ્લેખુલ્લું લડે છે અને સેનાપતિ આઈઝનહોવર તેને પોતાના કાબુ હેઠળનું એક લશ્કર ગણે છે. (૩) સામના-દળો સામેના કોઈ પણ વેર વાળવાના સિતમોથી યુદ્ધકાનૂનોનો ભંગ થાય છે: જેનું પાલન કરવા જર્મની બંધાયેલું છે. (૪) સેનાપતિ આઇઝનહોવરના કાબુ હેઠળના દળના કોઈપણ સૈનિક સામે કરાયેલા સિતમો ના કરવૈયાને શોધી કાઢવાની દરેક કોશિશ કરવામાં આવશે.