૧૭ મી ડિસેમ્બર : સોમવાર
બચાવપક્ષની દલીલોની શરૂઆત શ્રી ભુલાભાઈએ કરી:
“આ અદાલત સમક્ષ આજે જેનો ઇન્સાફ તોળાઈ રહ્યો છે તે તો છે પોતાની મુક્તિ માટે નિડરપણે યુદ્ધ ચલાવવાનો ગુલામ પ્રજાનો અધિકાર. આંતરરાષ્ટ્રીય કાયદાના એવા સર્વમાન્ય અભિપ્રાયો હું રજૂ કરી શકીશ કે એક રાષ્ટ્ર અથવા રાષ્ટ્રનો એક ભાગ એવા તબકકે જરૂર પહોંચે છે કે જ્યારે પોતાની મુક્તિ માટે યુદ્ધ ચલાવવાનો અધિકાર એ મેળવે છે. અદાલતને સંતોષ થાય એવી રીતે હું એ સાબિત કરી બતાવી શકીશ.
ખરી રીતે તો અદાલત સમક્ષ રાજા સામે યુદ્ધ ચલાવવાનો માત્ર એક જ આરેાપ છે. ખૂનના અને ખૂન કરાવવાના આરોપોને સંબંધ છે ત્યાં સુધી એ પ્રથમ આરોપના એક ભાગરૂપ જ છે. હું એમ એટલા માટે કહું છું કે રાજા સામે યુદ્ધ ચલાવવાના આરોપના કિસ્સામાં તો દરેકેદરેક ગોળીબાર કરવાના કાર્યનો પણ આરોપ મૂકી શકાય – અને એતો બેહૂદુંજ ગણાય એમ મને લાગે છે.
થોડા વખતમાં હું બતાવી આપીશ કે બીજા આરોપને સંબંધ છે ત્યાં સુધી હકીકતમાં એનો કોઈ પાયો જ નથી, સિવાય કે ઠાર મરાયેલા કહેવાતા ચાર માણસો અંગે એવો પુરાવો અપાયો છે કે એમની ઉપર કામ ચલાવવામાં આવ્યું હતું અને એમને સજા કરવામાં આવી હતી. મહમ્મદ હુસેનના સંબંધમાં તો એને સજા કરવામાં આવ્યાનો પણ કોઈ પુરાવો રજૂ થયો નથી. પુરાવાઓ ઉપરથી અદાલતને એવા નિર્ણય ઉપર આવવું જ પડશે કે એક કિસ્સામાં સજા ફરમાવવામાં આવી હતી અને બીજામાં નહોતી ફરમાવાઇ, છતાં એ બેમાંથી એકેયનો અમલ થયો જ નહોતો.