પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૫૯ ]


આઝાદ હિંદ સરકારને પ્રદેશો મળ્યા હતા એ મેં સાબિત કર્યું છે, પણ યુદ્ધસંબંધ સાબિત કરવા માટે એ હકીકતની કોઇ જરૂર નથી. ઇતિહાસમાં એવા દાખલા બન્યા છે. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જીઅમની સરકાર પાસે બેલ્જીઅમની એક તસુ પણ જમીન નહોતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ લંડનમાં કેટલીક ભાગેડુ સરકારો કામ કરતી હતી કે જેમની પાસે કોઇ પ્રદેશ નહોતો. આ ભાગેડુ સરકારના પ્રદેશો એમની પાસેથી થોડા સમય પૂરતા ખૂંચવી લેવાયા હતા. હિંદીઓ પાસેથી એમનો પ્રદેશ ૧૫૦ વર્ષથી ખૂંચવી લેવાયો છે તેથી હું જે મુદ્દા રજૂ કરું છું તેમાં જરાય ફેર પડતો નથી. આ૦ હિં૦ ફો૦ પોતાના દેશને મુક્ત કરવાના પ્રયાસો કરતી એક મુક્તિસેના હતી અને યુદ્ધસંબંધનો એને અધિકાર હતો. અમે હિંદીઓ છીએ તેથી આ નિયમનો જુદો અર્થ થઈ શકે નહિ. સાચી રીતે કે ખોટી રીતે આ કામચલાઉ સરકાર અને તેના ફરમાન પ્રમાણે તેની ફેાજ પોતાના જ દેશની મુક્તિ માટે લડી હતી. એને માટે લડવાનો એમને અધિકાર હતો.

ફ્રાંસની પેતાં–સરકાર જર્મનીની મિત્ર હતી. 'માકી' (સામના –દળો) એ સરકારનો સામનો કરતાં હતાં. સેનાપતિ આઈઝનહોવરે એક જાહેરાત બહાર પાડેલી કે 'માકી' એમના કાબૂ હેઠળનું એક લડાયક દળ હતું અને એમની સામે વેરનાં પગલાં લેવાશે તો જર્મની જેને આધીન હતું તે કાનૂનનો એ ભંગ ગણાશે. આ૦ હિં૦ ફેા૦નો પક્ષ તો એનાથી ય મજબૂત છે, અને એમની સામે લેવાનારું કોઇ પણ પગલું આંતરરાષ્ટ્રીય કાનૂનનો ભંગ ગણાશે.

હિંદી સરકારે અને આમસભામાં નાયબ-હિંદી વજીરે એક નિવેદન કરેલું કે રાજા સામે યુદ્ધ ચલાવવા માટે કોઇની ઉપર કામ ચલાવવાની સરકારની નીતિ નથી. આ હુકમથી અદાલત દોરવાય એમ હું નથી ઇચ્છતો તેમ હું તેને આશરો પણ નથી લેવા માગતો. પણ એ નિવેદન હું રજૂ કરું છું કારણ કે એની પાછળ એવી આડકતરી