પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૬૨ ]


નથી એવી દલીલો કરીને એમણે એના સમર્થનમાં કાયદાની જુદી જુદી બારીકીઓ રજૂ કરી. આ બધા કારણોસર આરોપીઓને નિર્દોષ ઠરાવવાની અપીલ એમણે અદાલતને કરી, અને દસ કલાક સુધી ચાલેલું એમનું ભાષણ પૂરું કર્યું.

: ૨૦ :

૧રમી ડિસેંબર : શનિવાર

બચાવપક્ષની દલીલોના જવાબમાં સરકારી વકીલે પોતાનું ભાષણ વાંચી સંભળાવ્યું તેમાં તમામ આરોપોનું પુનઃઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. એમણે કહ્યું કે આરોપીઓએ પોતે જ યુદ્ધકેદીઓ ઉપર સિતમ ગુજાર્યા હતા કે બીજા પાસે ગુજારાવ્યા હતા એવો દાવો ફરિયાદપક્ષે કર્યો નહોતો. ફરિયાદપક્ષ તો એમ કહે છે કે યુદ્ધકેદીઓ જે આ૦ હિં૦ ફો૦માં ન જોડાય તો એમને જુલમ સહન કરવા પડશે એવી ગર્ભિત ધમકીઓ આરોપીઓએ આપી હતી. પણ સરકારી વકીલે કબૂલ કર્યું કે અદાલતમાં પડેલી જુબાનીએ એમની દલીલને ટેકો આપ્યો નહોતો.

એમણે જણાવ્યું કે આરોપીઓ હિંદી લશ્કરી કાયદાને આધીન હતા અને ફોજમાંથી એ રજા લ્યે કે અમને છૂટ્ટા કરવામાં આવે નહિ ત્યાં સુધી એને આધીન એ રહે છે. કામચલાઉ સરકારની સ્થાપના કરવી એ પણ એક ગુનો છે, એમ કહીને એમણે ઉમેર્યું કે એ સરકારના હુકમ પ્રમાણે ગુના કર્યા હતા એવો બચાવ થઈ શકે નહિ, એ સરકાર સાથેના યુદ્ધસંબંધનો સ્વીકાર જ્યાં સુધી હિંદી સરકાર કરે નહિ ત્યાં સુધી એ અંગેના કોઈ અધિકાર એ સરકારના કે એની ફોજના સભ્યોને મળી શકે નહિ. અમેરિકાનો કાયદો ઈંગ્લંડના કાયદા કરતાં જુદો છે. અમેરિકામાં આંતરરાષ્ટ્રીય કાયદો એ દેશના કાયદાથી પણ ઉપરવટ હોય છે. જ્યારે ઈંગ્લંડમાં એથી જુદી જ પરિસ્થિતિ છે. તેથી અમેરિકન કાયદામાંથી બચાવપક્ષના વકીલે આપેલા ઉતારા અપ્રસ્તુત છે. આંતરરાષ્ટ્રીય કાયદાનો કોઈ મુદ્દો આ મુકદ્દમામાં ઊભો થતો નથી. અા અદાલતને કાયદેસર રીતે ઊભી કરવામાં આવી છે