પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૬૭ ]


“આ દેશને સ્વતંત્ર કરવા માટે લડાઇ લડવાનો કામચલાઉ સરકારને અધિકાર હતો અને એ પ્રમાણે એ લડાઇ લડેલી પણ ખરી એમ બચાવપક્ષ ઉપલી હકીકતોને આધારે કહે છે. જો એવી સરકારને યુદ્ધે ચડવાનો અધિકાર હોય અને રાષ્ટ્રોએ તેનો સ્વીકાર કર્યો હોય તો પછી આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ બે સ્વતંત્ર રાષ્ટ્ર અથવા બે રાજ્યસત્તાઓ એકબીજા સામે યુદ્ધ ચલાવી શકે છે અને એવી લડાઇના સંચાલનમાં જે કોઈએ કાંઈ પણ કાર્ય કર્યું હોય તેમને મ્યુનિસિપલ કાયદો લાગુ પડી શકતો નથી...... ફરિયાદપક્ષની મુખ્ય દલીલ એવી છે કે આંતરરાષ્ટ્રીય કાયદો તપાસવાનો અને એક રાજયસત્તા અને તેના પ્રજાજન વચ્ચેની સદંતર આંતરિક બાબતમાં એને લાગુ પાડવાનો અધિકાર બ્રિટિશ અદાલતો કે બ્રિટિશ હિંદની અદાલતોનો છે નહિ. ......તમે જે નિર્ણય કરો તેમાં તમારે એ પણ વિચારવાનું છે કે હિંદી લશ્કરના હિંદી અફસરો ઉપર જેમાં હિંદી લશ્કરી કાનૂન પ્રમાણે આરોપો મૂકવામાં આવ્યા છે એવા આ મુકદ્દમામાં આંતરરાષ્ટ્રીય કાયદાની વિચારણા કરવી એ અમારે માટે કાયદેસર રીતે વાજબી છે કે નહિ.. કારણકે તમારી સૌથી પહેલી ફરજ તો હિંદી લશ્કરી કાનૂન પ્રમાણે અને બ્રિટિશ હિંદના કાયદા પ્રમાણે ઇન્સાફ તોળવાની છે. આ વિષય ઉપર બેઉ પક્ષોએ રજૂ કરેલી તમામ દલીલોનો વિચાર કર્યા પછી મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય કાયદાને આ ખટલામાંની હકીકતોને લાગુ પાડવા સંબંધમાં આ અદાલતને અપાયેલી વિવેકશકિત સદંતર બંધન-રહિત નથી......

'જેની માફક આરોપી અફસરોએ રાજા સામે યુદ્ધ ચલાવ્યું હોવાનો આરોપ મુકાયો છે તે આઝાદ હિંદ ફોજની હયાતી અને તેનાં કાર્યો અંગે, કે ત્રણેય આરોપીઓ એમાં જોડાયેલા અને તેના જાહેર ઉદ્દેશોને એમણે સ્વીકારેલા એ વિષે ફરિયાદપક્ષ અને બચાવપક્ષ વચ્ચે કોઈ મતભેદ નથી. પણ ત્રણે આરોપીઓ ઉપર એક સંયુક્ત મુકદ્દમો