પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૭ ]



અદાલતનાં અાંખ-કાનનું કામ જજ-એડવોકેટ બજાવે એવો લશ્કરી અદાલતનો શિરસ્તો લાગે છે. કર્નલ કેરિને ગઈ કાલની માફક આજે પણ એ કામ કર્યું હતું. લે૦ નાગની અધૂરી રહેલી જુબાની આજે ફરી ચાલુ થઈ હતી. સાક્ષીએ જણાવ્યું કે આઝાદ હિંદ ફોજનો કાનૂન એમણે ઘડ્યો હતો. એ કાનૂનની એક નકલ રજૂ કરતાં સાક્ષીએ તેને એળખી કાઢી હતી.

સરકારી વકીલ— એની ૬૫ મી કલમ જુઓ એ કોઈના કહેવાથી ઉમેરવામાં આવેલી ?

જ૦— હબીબુર રહેમાન અને કર્નલ લોકનાથનની સૂચનાથી.

સ૦ — આગળ જતાં આ કલમમાં કાંઈ ઉમેરો કરવામાં આવ્યો હતો ખરો ?

જ૦ — ફટકાની સજામાં, ફટકાની સંખ્યા ૨૪ થી ૫૦ સુધી વધારતો ઉમેરો કરવામાં આવ્યો હતો. અને એ સજા કરવાની સત્તા ડિવિઝન, રેજિમેન્ટ અને બેટેલિયનના કમાન્ડરોને આપવમાં આવેલી.

સ૦ — આ૦ હિં૦ ફો૦નું સંખ્યાબળ કેટલું હતું ?

જ૦ — આ૦ હિં૦ ફો૦નું સત્તાવાર સંખ્યાબળ ૪૦,૦૦૦ નું હતું. ડિવિઝન નં. ૨ માં યુદ્ધકેદીઓ અને મલાયામાંથી ભરતી કરાયેલા નાગરિકો હતા. સુભાષચંદ્ર બોઝના આગમન પછી ૧૯૪૩ની ૨૨મી ઑક્ટોબરે સિંગાપુરમાં એક સભા મળી હતી, દક્ષિણ-પૂર્વ એશિયાના જે જે દેશોમાં હિંદી વસતિ હતી ત્યાંથી આવેલા હિંદી પ્રતિનિધિઓ. આ૦ હિં૦ ફો૦ના અફસરો અને સૈનિકો, જાપાનીઓ અને જાપાનમાં રહેતા કેટલાક હિંદીઓ એમાં હાજર હતા. હું પણ એમાં હાજર હતો. આ સભામાં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપનાની ચર્ચા કરી અને પછી એ સરકારના સભ્યોનાં નામ જાહેર કર્યા. ટૂંક સમયમાં બરમા મોરચે લડવા જનારી આ૦ હિં૦ ફો૦ને પૂરતી મદદ કરવાની અપીલ પણ સુભાષ બોઝે નાગરિકોને કરી હતી.