સમયના વહેતાં પાણીમાં જે કાંઈ ઘસડાઈ આવે છે, થોડુંઝાઝું વહેણમાં ટકી રહે છે અને પછી વહેલુંમોડું જેમ આવ્યું હતું તેમજ ઘસડાતું-પછડાતું ચાલ્યું જાય છે, તેમાંથી કાંઈક ને કાંઈક ઉપાડી લઈને પુસ્તિકાઓ રૂપે એને સાચવી રાખવાના ઉદ્દેશથી આ “વહેતાં પાણી પ્રકાશનમાળા”ની શરૂઆત કરવામાં આવી છે. પેઢીઓ સુધી ન વિસરાય એવી આઝાદ હિંદ ફોજની ગૌરવકથાનું એક નાનું પ્રકરણ આ પુસ્તિકા શ્રેણીની પહેલી પુસ્તિકા તરીકે અપાય છે એ એને માટે શુકનવંતી શરૂઆત છે. એ શુકન માથે ચડાવીને આગળ વધવાની અને થોડા થોડા વખતે ચાલુ કાળના બનાવોને લગતી આવી પુસ્તિકાઓ આપતા રહેવાની એની નમ્ર ઉમેદ છે.
આઝાદ હિંદ ફોજની શૌર્યકથાઓ જ્યારે આરાકાનના પહાડોમાં અને મણિપુરના મેદાનોમાં સાચેસાચ ભજવાઈ રહી હતી ત્યારે વિધાતાની કોઈ ક્રૂર કરામતને લીધે આ દેશની પ્રજા એની સાથે તાલ મિલાવી શકેલી નહિ એટલું જ નહિ પણ ઊછળતી છાતીએ એને નીરખતી રહીને એમાં પારસ રેડવાનું પણ એનાથી બની શક્યું નહોતું, ઈરાવદીને પેલે પારથી જ્યારે વતનનો સાદ સાંભળીને 'ચલો દિલ્હી'ના નાદ ગજવતા આઝાદ ફોજના સિપાહીઓ દિલ્હીની વાટને લેહીભીની બનાવતા દોડ્યા આવતા હતા, હિંદી-હિંદીના લોહીનાસંગમ વચ્ચે માત્ર થોડી ટેકરીઓ અને થોડાં મેદાનો જ જ્યારે બાકી રહ્યાં હતાં, ત્યારે વતનનું લોહી તો થીજેલું જ પડ્યું હતું. આ દેશના પ્રજાજનો એ સિપાહીઓને મુક્તકંઠે આવકારી પણ શકે તેમ નહોતા. એમને મોઢે જેમ ડૂચો દેવાયેલો હતો તેમ એમની આંખે એ પાટા બાંધેલા હતા. અને હવે, આઝાદ ફોજ ગુલાબી એક સ્વપ્નામાંથી ઊડીને એમાંજ જાણે પાછી સમાઈ ગઈ હોય તેવું લાગે છે ત્યારે પ્રજાના અંતરમાં એને માટે પ્રેમનાં લાખ-લાખ ઝરણાં ફૂટ્યાં છે. પોતે જેને ખરે ટાણે સન્માની શકી નહોતી તેને આજે તે એ પૂજવાની હદે પહોંચી ગઈ છે. આઝાદ ફોજ વિશે જેટલું મળે તેટલું જાણીને પોતાનું અંતર એનાથી છલકાવી દેવાનો તનમનાટ પ્રજામાં જાગ્યો છે.