પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૬૩ ]


અને જમાદારે અમારી ઉપર ગોળીબાર કરવા માંડ્યા અને ચોકીદારોને પણ એમ કરવા કહ્યું. અમારામાંના બે, લાન્સ-નાયક મહમ્મદ આઝમ અને જમાદાર અલ્લાહ દિત્તા માર્યા ગયા. નાયક મહમ્મદ હનિફે બૂમ પાડી કે “નારા-એ-તકબીર,” બધાએ જવાબ આપ્યો: “અલ્લા-હો –અકબર.” પછી ગોળીબાર કરતા ચોકીદારો ઉપર અમે હુમલો કર્યો. અમારામાંના ઘણા ઘાયલ થયા. અમારામાંના એકે એક ચોકીદારના માથામાં પાવડો માર્યો અને એ ઢળી પડ્યો. એના માથાનાં કાચલાં થઈ ગયાં. પંદર મિનિટ સુધી ચોકીદારોએ ગોળીબાર ચાલુ રાખ્યો, અને પછી ઘવાયેલાઓને એ પોતાની લારીએામાં ઉઠાવી ગયા.

તે પછી જાપાની અફસરો, આ૦ હિં૦ ફો૦ના અફસરો અને એક કર્નલ ત્યાં આવ્યા. કર્નલ દુભાષિયાનું કામ કરતા હતા. જાપાની અફસરોએ અમને કહ્યું કે, “આ રીતનું વર્તન જો તમે ચાલુ રાખશો તો તમને જાનથી મારી નાખવામાં આવશે. તમે આ૦ હિં૦ ફો૦ના એક અફસરને મારશો તે બદલામાં તમારામાંથી એકસોના જાન લેવાશે.”

તે પછી અમને એક નજરકેદ-છાવણીમાં લઈ ગયા. ત્યાં અમને નેતરની સોટીથી મારવામાં આવ્યા. મને એટલી બધી ઈજા થઇ કે હું બેભાન બની ગયો; અને મને ઇસ્પિતાલમાં લઈ જવાયો. ઇસ્પિતાલમાંથી નીકળ્યા બાદ હું ઝાંસી છાવણીમાં ગયો અને આ૦ હિં૦ ફો૦માં જોડાયો. પાછળથી અંગ્રેજો સાથે મળી જવાનો મારો ઈરાદો હતો.

: ૭ :

૨૬ મી નવેંબર : સોમવાર

ફરિયાદપક્ષના બારમા સાક્ષી જમાદાર મહમ્મદ હયાતે આ૦ હિં૦ ફો૦માં ભરતી ન થવા માટે પોતાની ઉપર અને પોતાના મતના બીજાઓ ઉપર વીતેલાં વીતકોના સંખ્યાબંધ પ્રસંગો વર્ણવ્યા. એમના કહેવા પ્રમાણે આ૦ હિં૦ ફો૦માં ન જોડાનારને કેદ-છાવણીમાં વારંવાર માર પડતો, કાંકરીવાળા ભાત ખાવા મળતા, જોઈએ તેટલું પાણી