પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૭૨ ]

ઑકટોબરમાં આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા. ૧૯૪૫ના જાન્યુઆરીમાં બર્મામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ એમની રેજિમેન્ટની મુલાકાતે આવેલા ત્યારે સિપાહીઓ સમક્ષ એમણે ભાષણ કરેલું કે -

'ગયે વરસે આ૦ હિં૦ ફો૦એ પહેલીજ વાર રણમેદાનમાં દુશ્મનનો સામનો કર્યો હતો. આ૦ હિં૦ ફો૦નાં કાર્યો અદ્ભુત હતાં, મારી ધારણા બહારનાં હતાં, અને દોસ્ત તથા દુશ્મન બેઉની પ્રશંસા એણે મેળવી હતી. જ્યાં જ્યાં આપણે એની સાથે લડ્યા ત્યાં ત્યાં દુશ્મનને આપણે સખત હાર ખવરાવી છે. ખરાબ હવામાન અને બીજી મુશ્કેલીઓને કારણે પરાજય પામ્યા વિના – એક વ્યુહના પગલા તરીકે આપણાં દળો આપણે ઇમ્ફાલ મોરચેથી પાછાં ખેંચી લેવાં પડ્યાં હતાં. હવે આપણે એ મુશ્કેલીઓ પાર કરવાનો પ્રયાસ કર્યો છે. પણ સૌએ યાદ રાખવું જોઈએ કે આપણી ફોજ તો એક ક્રાન્તિકારી સેના છે. માનવશક્તિથી જેટલા સુસજજ આપણા દુશ્મનો છે એટલા આપણે નથી. આપણા દુશ્મનોએ નક્કી કર્યું છે કે હિંદુસ્તાન રક્ષણની પહેલી લડાઈ એ આસામમાં લડશે અને એ વિસ્તારને એમણે હિંદનું સ્ટાલિનગ્રાડ બનાવ્યો છે.

આ વરસ લડાઈનું નિર્ણયાત્મક વર્ષ હશે. હિંદની આઝાદીનું ભાવિ ઇમ્ફાલની ટેકરીઓ નજીક અને ચિત્તાગોંગનાં મેદાનો ઉપર નક્કી થઇ જશે. ગયે વર્ષે આપણા કેટલાક સિપાહીઓ દુશ્મન સાથે ભળી ગયેલા. આ વખતે આપણે મોરચા ઉપર જઈએ ત્યારે એક પણ માણસ દુશ્મનપક્ષે ચાલ્યા જાય એ હું નથી ઈચ્છતો. એટલે, નબળાઇ, નામરદાઇ કે બીજા કોઇ કારણસર પોતે મોરચા પર જઇ શકે તેમ નથી એમ કોઇને લાગે તો એણે એની રેજિમેન્ટના કમાન્ડરને એ ખબર આપવા, અને એને પાછળ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.

હું તમારી સામે કોઈ અત્યંત ગુલાબી ચિત્ર દોરવા માગતો