લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૮૨ ]

મારી ઉપર ઊંડી અસર થઇ. એમના વ્યક્તિત્વે અને ભાષણોએ મને વશીકરણ કર્યું એમ કહેવું ખોટું નથી. હિંદુસ્તાનની સાચી તસ્વીર એમણે અમારી સામે રજૂ કરી, અને જિંદગીમાં પહેલી જ વાર મેં હિંદુસ્તાનને એક હિંદુસ્તાનીની આંખે નિહાળ્યું. એમની નિઃસ્વાર્થભાવનાએ, આપણા દેશ પ્રત્યેના એમના સંપૂર્ણ ભક્તિભાવે, એમની નિષ્કપટતાએ અને જાપાનીઓની ઇચ્છાને આધીન થવાના એમના ઈન્કારે મારી ઉપર સૌથી વધુ છાપ પાડી.

મને સમજાયું કે અમને ગમે કે ન ગમે પણ જાપાનીઓ જરૂર હિંદમાં જવાના છે. મને એ પણ સમજાયું કે મોટે ભાગે તે લડાઈ હિંદની ધરતી ઉપર ઘસડી જવામાં આવશે કારણકે બ્રિટિશ દળો જાપાનીસ આગેકૂચને રોકી શકે એમ હું માનતો નહોતો. મલાયા પરની ચઢાઈ મેં જોઇ હતી અને એવું હિંદમાં બને એમ હું નહોતો ઇચ્છતો. મને થયું કે મલાયામાંના એક નિઃસહાય યુદ્ધકેદી કરતાં હાથમાં એક રાયફલ સાથે હિંદીઓના જાનમાલ અને સ્વમાન જાળવવામાં મારા દેશને હું બહુ વધારે ઉપયોગી થઇ પડીશ.

આ૦ હિં૦ ફો૦ માટે સૈનિકોની ભરતી કરતી વખતે મેં એવા જ માણસો ને ભેગા કરેલા કે જે, જો જાપાનીઓ અપ્રમાણિક માલૂમ પડે તો એમની સાથે પણ લડવા તૈયાર હોય. આ હકીકત તો ફરિયાદપક્ષના સાક્ષીઓએ પણ બિલકુલ શંકારહિતપણે સાબિત કરી આપી છે. આ૦ હિં૦ ફો૦માં જોડાવા માટે યુદ્ધકેદીઓ ઉપર કોઇપણ જાતનું દબાણ થયું હોવાનો હું ઈન્કાર કરું છું. ફરજિયાત ભરતીની તો મેં મનાઇ કરી હતી, અને અસફરોને સાચે જ ચેતવણી આપેલી કે આ૦ હિ૦ ફો૦માં કોઇને બળજબરીથી જોડાશો તો તમને સજા થશે.

નેતાજીમાં મેં એક આગેવાન નિહાળ્યો, અને એમને પગલે પગલે ચાલવાનો મેં નિર્ણય કર્યો. મારે માટે તો એ મારી જિંદગીનો સૌથી મોટો અને સૌથી મુશ્કેલ નિર્ણય હતો. બ્રિટિશ હિંદી લશ્કરમાંના