પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૧ ]

માત્ર યુદ્ધકેદીઓ તરીકે જ શરણે થવા માગતા હતા. આ ચિઠ્ઠી મળ્યા પછી જે શરતે અમે શરણે થવા માગતા હતા તેની સામે કોઈ વિરોધ વિના અમારી શરણાગતિ સ્વીકારવામાં આવેલી, અને શરણાગતિ પછી રીતસરના યુદ્ધકેદીઓ તરીકેનો જ અમારી સાથે વર્તાવ રાખવામાં આવતો હતો. અમને જો એમ કહેવામાં આવ્યું હોત કે અમે જણાવેલી શરતોએ શરણાગતિ સ્વીકારવાનું બ્રિટિશ કમાન્ડર માટે શક્ય નહોતું તો લડી લેવાનો અમારો નિર્ધાર હતો. અમે એમ કરી પણ શક્યા હોત. કારણકે અમે લગભગ ૬૦૦ ના જથ્થામાં હતા. સંપૂર્ણપણે સશસ્ત્ર અને સજજ હતા, તેમજ પોતાના દેશને ખાતર પોતાના ખૂનનું છેલ્લું ટીપું પણ વહાવી દેવા અમારામાંનો એકે એક જણ તૈયાર હતો.

ખૂન કરાવવાના આરોપ વિશે મારે એટલું કહેવાનું છે કે-

ડિવિઝનના કમાન્ડર તરીકેના મારા હોદ્દાની રૂઇએ ૧૯૪૫ની છઠ્ઠી માર્ચે મારે હરિસીંઘ, દુલીચંદ, દરયાવસીંઘ અને ધરમસીંઘ ઉપર કામ ચલાવવાનું હતું, ફોજમાંથી ભાગી છૂટવાનો અને દુશ્મન સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવાના આરોપસર કર્નલ ધિલને એમને મારી સમક્ષ ખડા કરેલા હતા, આઝાદ હિંદ ફોજ કાનૂનની કલમ ૩૫ અને ૨૯ (ग) નીચે આ માણસો ગુનેગાર જણાયા હતા અને એમને મોતની સજા ફરમાવવામાં આવી હતી, તેમ છતાં એ સજાનો અમલ કરવામા આવ્યો નહોતો. એ અરસામાં એમના જેવા બીજા ઘણાની ઉપર એ રીતે કામ ચલાવીને સજા ફરમાવવામાં આવતી, પણ એમણે ક્ષમા માગ્યા પછી અને ભવિષ્યમાં ફરી ગેરવર્તન નહિ કરે એવી ખાતરી આપ્યા પછી એમને માફી અપાતી.

સજાનો અમલ કરવામાં આવ્યો હોત તો પણ ખૂન કરાવવાનો આરોપ મારી ઉપર મૂકી શકાય તેમ નથી. એ ચાર ગુનેગારો સ્વેચ્છાથી આ૦ હિં૦ ફો૦માં જોડાયા હતા, પોતાની જાતને એની