‘એક ગનો તે રાજા ય માફ કરે.’
‘ગઈ ગુજરી ભૂલી જાવ.’
‘ભાઈએ ભાઈયું તો ભાલે વઢે ને ભાણે જમે.’
ઠુમરીની ખડકીમાં નાટક ભજવાતું હતું એમાં દ્વિપક્ષી સામસામા સંવાદોને બદલે એકપક્ષી સ્વગતોક્તિઓ જ ઉચ્ચારાતી હતી. સંતુનું બેડું સોંપવા આવેલો માંડણિયો એક પછી એક ઉક્તિઓ બોલતો હતો અને સામે ખાટલે બેઠેલા હાદા પટેલ અને ગોબર કેવળ શ્રોતા બનીને સાંભળી રહ્યા હતા. માંડણની સ્વગતોક્તિઓમાં દર ત્રીજે વાક્યે તકિયે કલામ રૂપે આ કહેવતો આવતી હતી :
‘ડાંગે માર્યા પાણી નોંખાં નો પડે.’
‘ઊને પાણીએ કાંઈ ઘર બળે ?’
‘કહેતાં નથી, વધુમાં વધુ ઝેર ક્યાં ? તો કે’ માના પેટમાં જ !’
માંડણિયો પોતાની ભૂમિકા તો આબાદ ભજવતો હતો, અજબ ઠાવકો થઈને પોતાના અપરાધનો એકરાર કરી રહ્યો હતો. પણ દૂધના દાઝેલા ગોબરને અને હાદા પટેલને આ એકરાર ગળે ઊતરી શકતો નહોતો. તેથી તો માંડણિયો મરણિયો બનીને પોતાના પિતરાઈને પ્રભાવિત કરવા મથી રહ્યો હતો. રઘાએ પઢાવી રાખેલાં બધાં જ પોપટવાક્યો એણે ઓકી કાઢ્યાં; ભાઈ ભાઈ અને પિતરાઈઓ વચ્ચેના કલહ અને હેતપ્રીત અંગેની સઘળી લોકોક્તિઓને એ કુમકે લાવ્યો. આવી કુશળ અદાકારી જોઈને ગરીબડા સ્વભાવનો ગોબર