પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
લીલુડી ધરતી
 

 ‘સંતુ ય મારે મન માને ઠેકાણે ગણાય. હવે પછી મારી કાંઈ રાવ આવે તો મારું માથું વાઢજો—’

આવી આવી કબૂલાતો ને કાકલૂદીઓ સાંભળીને આખરે હાદા પટેલ પીગળ્યા તો નહિ પણ કંટાળ્યા તો ખરા જ. મનમાં એમ પણ થયું કે નાદાન છોકરો ગમે એવો તોય આખરે તો એકલોહિયો છે. ઠુમરના ખોરડાનું જ ફરજંદ છે. ટાણેકટાણે કે સારેમાઠે અવસરે કુટુંબનો છોકરો પડખે ઊભો રે’શે, પારકાં કોઈ નહિ આવે. એના મનમાં મરની ગમે એટલું પાપ હોય, પણ અટાણે સામેથી બેડું સોંપવા, ને માફામાફી કરવા આંગણે આવ્યો છે, તો એને જાકારો ક્યાં દેવો ?... ને હવે પરબતના પાછા થયા કેડે ઘરમાં માણસની ખોટ પડી છે તંયે ઠાલા વેરી ક્યાં વધારવા ? ને આમે ય સંતુએ ગામના ગરાસિયાને છંછેડ્યા છે, એટલે નવા વેરી તો ઊભા થયા જ ગણાય. એમાં જુનાં વેરઝેર ક્યાં ઊભાં રાખવાં ? હવે તો હું પણ પાકું પાન ગણાઉં. ગમે એ ઘડીએ મારી આંખ મીંચાય તો ગોબર તો સાવ નોંધારો જ થઈ પડે ને ? એવે ટાણે પડખે વહાલોદવલો પણ લોંઠકો પિતરાઈ ઊભો હોય તે કામને ટાણે હોંકારો દિયે ને—’

આવી આવી વ્યવહારુ ગણતરીઓથી અને કાંઈક અંશે મનની સ્વભાવગત મોટપથી હાદા પટેલે આખરે રાંધણિયા તરફ મોઢું કરીને કહ્યું :

‘વવ ! તણ્ય કોપ ચા મેલજો.’

અને પછી ગોબરને અને માંડણને બનેને ઉદ્દેશીને સલાહ આપવા માંડી:

‘હું તો તમને બેય ભાઈને કહું છું કે આવા કજિયા કરવાને બદલે સંપીને રહેશો તો સુખી થાશો, ઠાલાં વેરઝેર કોના સારુ કરવાં ? હું તો કહું છું કે કજિયાનું મોં કાળું. સંપ ત્યાં જ૫. કજિયાકંકાસ હોય ત્યાં બરકત ન હોય, ઠાલા મફતના