પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે ગવતરીનાં વળામણાં
૯૧
 

દુશ્મન કરીને ભેગું શું બાંધી જાવું છે ?’

કાંસાના ચકચકિત છાલિયામાં લાલચોળ ઉકાળેલ ચહાનું પીણું આવ્યું ત્યાં સુધી હાદા પટેલે સંપ, સુલેહશાંતિ, ભાઈચારો વગેરે વિષે કૉપીબૂકમાં શોભે એવાં સુભાષિતો ઉચ્ચાર્યાં જ કર્યાં. એ બોધવચન સાંભળીને માંડણિયો મુછમાં હસતો હશે કે કેમ એ તો એ જાણે; પણ ગોબર તો આ પિતરાઈએ ભજવેલા નાટકથી એવો તો પ્રભાવિત થઈ ગયો હતો કે એણે એક જ ખાટલે માંડણિયા જોડે બેસીને પ્રેમથી ચહા પીધી અને થોડી વારે હાદા પટેલ આધાપાછા થયા ત્યારે એ બન્ને જણાઓએ છાનીમાની ધોળી બીડી કાઢીને વારાફરતી એની સટ ખેંચી.

હજી થોડા દિવસ પહેલાં જ જે માણસને પોતાનો લોખંડી પંજો લગાવીને ખેતરમાં લોહીની ઊલટી કરાવેલી એને હાથેથી એની એંઠી બીડી પી રહેલ ગોબર બધી જ ગઈ ગુજરી ભૂલી ગયો. ધોળી બીડીના ધૂમ્રગોટાઓની આરપાર બન્ને ભાઈબંધો એકબીજાને ભિન્ન નજરે તાકી રહ્યા : ગોબરની આંખમાં આ નવી મૈત્રી અંગેની અખૂટ આશા ભરી હતી. માંડણિયાની મેલી નજરમાં દાવ આવ્યે સોગઠી મારવાની પ્રપંચી પ્રતિજ્ઞા હતી.

દેવશીની વહુ ઊજમ ઢોરને નીરણ કરવા ફળિયામાં આવી ત્યારે ગોબરના હાથમાં ધોળી બીડી જોઈને એને સુખદ આશ્ચર્ય થયું. અત્યારે શ્વશુરની ગેરહાજરીનો લાભ લઈને એણે સંભળાવ્યું :

‘ગોબરભાઈ ! તમે તો હવે ધોળી બીડીયું ફૂંકતા થઈ ગ્યા ને શું !’

અને પછી, પોતાના હોદ્દાની રૂએ દિયેરની હળવી મજાક પણ કરી :

‘સંતુનું આણું ઓરુ આવતું જાય છે, એમ તમારા રંગ વધતા જાય છે !’

ઊજમ આટલો ટહુકો કરીને અંદર ગઈ કે તરત માંડણિયે