‘નભે એમ જ નથી.’ માંડણિયે કહ્યું. ‘કેમ ય કર્યું નભે એમ નથી !’
‘ગોબર વધારે ઉદ્વિગ્ન બનીને પોતાના પિતરાઈની ઊંડી આંખો તરફ તાકી રહ્યો. એમાંથી વંચાતા અકળ ભાવ ગોબરને ભયભીત બનાવી રહ્યા. એને ખાતરી થઈ ગઈ કે આ માથા ફરેલ માણસને બહુ છંછોડવામાં માલ નથી. હાદા પટેલની જેમ ગોબરને પણ વ્યવહારજ્ઞાન વડે સમજાયું કે ભૂંડા માણસની પાંચશેરી ભારે. આવા પિતરાઈ જોડે જેમને પનારાં પડ્યાં હોય એમણે તો નમતાં ચાલવું જ સારું. એ ભાવનાથી પ્રેરાઈને જ ગોબરે પોતાના માથાબંધણામાંથી ઠીકરાની ચૂંગી ખેાળી કાઢીને એમાં જરદો ભર્યો.
‘લે, બેચાર સટ ખેંચ્ય ! જીવ હળવો થાશે.’ કહીને ગોબરે માંડણના હાથમાં ચૂંગી મેલી.
દેશી જરદાની ધૂણીએ બન્ને જુવાનો વચ્ચે ફરી વાર ધુમાડાનું આવરણ ઊભું કર્યું. એ આવરણની આરપાર પોતાના ભવિષ્યની કલ્પના કરતા કરતા ગોબરે પ્રેમપૂર્વક કહ્યું :
‘નવી હીરાકણી નો વેતરાવ્ય તો કાંઈ નહિ. પણ વાડીએ જઈને જૂનો ફેંટો તો ધોઈધાફોઈને સુકવી રાખજે. ઈગિયારસને હવે કાંઈ આઘું નથી, આવી ઓરી...’
અને એ ઓરી અગિયારસ ઝડપભેર આવી પહોંચી. ટીહા વાગડિયાના ઘરમાં ગોળના માટલામાં માત્ર મકોડા જ હતા એની જગ્યાએ સોનાની વીંટી જેવો પીળો ધમરખ ગોળ આવી પહોંચ્યો. ગિધાની હાટથી હીરાકણીનો નવો ફેંટો ન વેતરાવી શકનાર માંડણિયો આખરે જુનો ફેંટો જ ધોઈધફોઈને સાબદો થઈ ગયો.
અને અગિયારસની વહેલી સવારે વાગડિયાની ખડકીમાં સંતુને તેડવા માટે ઢગ આવી પહોંચી...
પોતાનું આણું થવાનું છે એ સમાચાર સાંભળીને એક