પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે ગવતરીનાં વળામણાં
૯૫
 


અઠવાડિયા પહેલાંથી જ સંતુને હૈયે હરખ માતો નહોતો. ઝીણીમોટી તૈયારીઓમાં એક અઠવાડિયું તો આંખના પલકારાની ઝડપે વીતી ગયેલું, પણ અગિયારસની આગલી રાત એને શિયાળાની લાંબી રાત કરતાં યે વધારે લાંબી લાગેલી. છેક પરોઢ સુધી એ ઘરની સાજસજાવટના કામે રોકાઈ રહેલી. ઓસરી ને ફળિયામાંથી ફરીફરીને સંજવારી કાઢી, મહેમાનો માટે આંગણામાં ખાટલા ઢાળ્યા, ધડકીઓ નાખી, ભીંતો પર ચાકળા-ચંદરવા ટાંગ્યા. આ બધા કામ દરમિયાન સંતુ વારે વારે કાબરી ગાય પાસે ઢૂકી જતી ને એના ડિલ પર વહાલસોયો હાથ ફેરવી જતી.

કાબરીને સંતુ જોડે જ આણામાં આપવાની હોવાથી હરખ પણ એક વિશિષ્ટ નજરે આ ગવતરીને અવલોકી રહી હતી. વર્ષો પહેલાં પોતે રામપરડેથી આણું વળીને આવેલી ત્યારે જોડે એક ગાય લેતી આવેલી એ હરખને મન એક સહીપણીસમી હતી. કોઈક અદૃષ્ટ તાણાવાણા વડે હરખનું જીવન એ ચોપગા પ્રાણી જોડે વણાઈ ગયેલું, ગુંદાસરમાં ગામના ધનિયા ગોવાળથી માંડીને સહુ કો' જાણતું કે હરખની અને એની ગાયની ઊંબેલ સરખી જ છે. હરખને અને એની ગાયને લગભગ સાથોસાથ જ સંતાનો અવતરતાં. પ્રજનનની આ સ્થૂલ પ્રક્રિયાની હરખના ચિત્ત પર સૂક્ષ્માતિસૂક્ષ્મ અસર થવા પામેલી. એને મન ગાય એક દૂધાળું ઢોર જ ન રહેતાં પોતાના દેહનો ને દિલનો જ એક ભાગ બની રહેલ. કેમ જાણે એ પોતાના જ માંસ–મજજા–અસ્થિનું, અલગ વિહરતું છતાં અજબ એકત્વ ધરાવતું અર્ધાંગ ન હોય !

એ અર્ધાંગનું સંતાન આ કાબરી તો હરખને મન સંતુનું જ પ્રતીક હતું. વાગડિયાની આ ખડકીમાં ઢોર પૂરવાની અંધારી ગમાણમાં હરખે સંતુને જન્મ આપેલો; એ જ ગમાણમાં કાબરી પણ જન્મેલી. લોચાપોચા જેવી સંતું હરખને થાનેલે વળગેલી ત્યારે તાજી જ જન્મેલી, મલમલ જેવી પોચી ને કુમાશભરી રૂવાંટીવાળી