પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે ગવતરીનાં વળામણાં
૯૯
 

 જડી’તી એક સંતડી માથાની !’

‘પણ અટાણે આ લાકડી ઠુમરને ઘેર શું કામે લઈ જા છ ?’

‘હવે આજથી તો મારે ઠુમરના જ રોટલા ઘડવાના ને ! આ મારે બળતણમાં ખપ લાગશે.’ સંતુએ આછેરું સ્મિત વેરતાં કહ્યું.

‘ઠુમરના ઘરમાં એટલાં છાણાં બચશે. આવડી લાકડી ભાંગીને ઊંબાળ ભરીશ તો તાવડી ઉપર મજાના બે મઢા રોટલા પાકી જાશે.’

મોડી સાંજે વાગડિયાની ખડકીમાંથી શણગારેલા ગાડામાં ઢગની વિદાય થઈ ત્યારે ટીહાએ અને હરખે ડેલીને ઊંબરેથી એકને બદલે બે ગવતરીનાં વળામણાં કર્યાં.

કણબીપાની શેરીમાં ડેલીએ ડેલીએ માણસો આ વળામણું જોવા ઊભાં હતાં. કાબરી ગાય પોતાના આ નૂતન પ્રસ્થાનના કુતૂહલથી ઉત્સુકતાપૂર્વક કાનસુરી ઊંચી કરીને ગાડાનાં પૈડાંની પડખે પડખે – કોઈ વાર તો એને ઘસાઈને જ–ચાલતી હતી. સંતુ પણ બગલમાં બચકી ને હાથમાં સાડલો વીંટેલી હૉકીસ્ટીક લઈને, બીજે હાથે પોતાની સહોદરા સમી આ ગવતરીને પંપાળતી જતી હતી.

સંતુના હાથમાંની સાડલે વીંટેલી લાકડી જોઈને એક પડોશણે તો હરખને પૂછેલું પણ ખરું કે સંતુ આ ડંગેારા જેવું શુ લઈ જાય છે ? ત્યારે હરખે હાજરજવાબી વાપરીને કહેલું કે એ તો મોતીનું પરોણું છે પરોણું.

વાગડિયાનું નાકું વળોટીને ઢગના માણસનું ગાડું હજી તો હુમરવાળી શેરીમાં વળવા જાય છે એ પહેલા તો સામેથી મોટરનું ભોં...ભોં કરતુ ભૂંગળું સંભળાયું. ભૂંગળાના અવાજ સાંભળીને બજારની એકેએક હાટડીના વેપારીઓ ઉંબરે આવી ઊભા; અડખે પડખેની ગલીઓમાં નાગાપુગાં છોકરાંઓ આ ‘તેલવાળી ગાડી’ નિહાળવા બહાર દોડી આવ્યાં.

આમે ય આ ઢગનું વળામણું જોવા માટે કુતૂહલપ્રિય નવરા માણસનું નાનુંસરખું ટોળું તો જમા થઈ જ ગયું હતું. એમાં