પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
લીલુડી ધરતી
 

 વળી આ મોટરગાડીના અણધાર્યા આગમનને કારણે વધારે ગિરદી જામી ગઈ. પરિણામે પૂરપાટ આવતી મોટરને સાંકડી નેળ્ય જેવી બજારમાં અધવચ જ થોભી જવું પડ્યું. ગાડું એક તરફ ફરે નહિ ત્યાં સુધી મોટરને મારગ જ મળે એમ નહોતો.

‘કોને ઘેર મહેમાન આવ્યાં ?’ એવા સ્વાભાવિક કુતૂહલથી નાનકડાં છોકરાંઓ મોટરને ઘેરી વળ્યાં, પણ મોટરમાં તો બધા ખાખી કપડાં પહેરેલ માણસો જ જોયા. ગાડી હાંકનાર ડ્રાઈવર પણ પોલીસ હતો. એની પડખે એક કોન્સ્ટેબલ હતો. પાછળની બેઠકમાં કાળાં ચશ્માં ચડાવેલ સાર્જન્ટ રૂઆબભેર બેઠા હતા. એમની આજુબાજુ અંગરક્ષક અને ઑર્ડર્લીનાં દર્શન થતાં ગામલોકો જરા શેહ ખાઈ ગયા. ગાડી પર લગાવેલી નંબરની લાલ તખતી જોઈને કોઈ કે અનુમાન કર્યું કે આ તો રાજકોટ એજન્સીની પોલીસ આવી છે.

ગાડીમાંથી એક ઑર્ડર્લીએ ડોકું બહાર કાઢીને, સામી હાટમાં ઊભેલા ભાણા ખોજાને પૂછ્યું : ‘તખુભા બાપુની ડેલી કેની કોર્ય ?’

‘પાધરા જાવ, ને એક નાકું મેલીને બીજે નાકે ડાબા વળજો. સામે જ ઓટો ભાળશો—’

ડ્રાઈવરે એન્જિન ચાલુ કર્યું. એના અવાજથી જ ગાડીની આસપાસ ઘેરો ઘાલીને ઊભેલું ટોળું વિખરાઈ ગયું. આમે ય ભયભીત બની ગયેલા લોકો રખે ને સાંકડા મારગમાં કોઈનો પગ રબરનાં પૈડાં તળે પિલાઈ જાય એવા અદકા ભયથી અડખેપડખેની હાટડીઓમાં ઘૂસી ગયા અને મોટર ફરી ભોં...ભોં કરતી આગળ વધી.

પાછળ, વેંત વેંત ઊંડી ધૂળ ભરેલા રસ્તામાં ગાડીનાં પાછલાં પૈડાંઓએ જ ગોટંગોટ ડમરી ચડાવી એની સાથે સાથે અનુમાનો, આશંકાઓને અભિપ્રાયોની પણ ડમરી ચડી.

‘આ તો રાજકોટની કોઠીમાંથી આવ્યા લાગે છે...’

‘એજન્સીની સી. આઈ ડી. વાળા જ—’

‘તે ઈ યે ય પાછા દરબારની ડેલીએ જ...’