પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે ગવતરીનાં વળામણાં
૧૦૧
 


‘કોઠીના માણહ કાંઈ કામ વન્યા તો થોડા જ આવે ?’

‘હશે કાંઈક કબાડું —’

‘દરબારની ડેલી છે... ઘણાં ય કાળાંધોળાં થતાં હોય—’

‘હમણા કિયે છ કે શહેરમાં ચોપાનિયાંવમાં બવ ગોકીરો થ્યો છે.’

‘કોનો ?’

‘તખુભા બાપુનો—’

‘કઈ બાબતનો ?’

‘ઓલી ગઢના ભડકામાંથી ગંધાઈ ગયેલી લાશ નો’તી નીકળી ?’

‘રૂપલી રબારણની ?—’

‘હા, ઈની વાત ઠેઠ એજન્સી લગણ પૂગી છે... છૂપી પોલીસવાળા તપાસ કરે છે. વચ્ચે એક ફકીરને વેશે હંધીય છાની તપાસ તો કરી ગ્યા’તા એમ કે’વાય છે—’

‘ને હવે પોલીસને વેશે ઉઘાડી તપાસ થાતી હશે ?’

‘ભગવાન જાણે, ભાઈ, મોટાં માણસનાં મોટાં મેલાણ. એમાં આપણે શું સમજીએ ?’

ધૂળની ડમરી સાથે અનુમાનોની ડમરી પણ હેઠી બેઠી ત્યાર પછી જ સંતુની ઢગ ઠુમરની ડેલીએ જતાં પહેલાં પાદરમાંની દેરાણી–જેઠાણીની વાવ તરફ આગળ વધી શકી.

અંબા–ભવાનીના આંગણામાં થઈને મોટર ગામમાં પ્રવેશેલી ત્યારે જ રઘો હેબતાઈ જઈને થડા પરથી નીચે ઊતરી પડેલો ને દારૂના પીપ જેવા પેટ ઉપર કાછડી પણ ખોસ્યા વિના આંગણામાં આવી ઊભેલો. ખાખી ‘દરવેસ’વાળા માણસો દરબારની ડેલીએ જ જઈ રહ્યા છે, એમ સમજાતાં એ ક્યારનો ઊભી બજાર તરફ ફાટી આંખે ને અધખુલ્લે મોંએ તાકી રહ્યો હતો. એવામાં જ એણે સંતુની ઢગવાળું ગાડું હૉટલના આંગણામાંથી જ પસાર થતું નિહાળ્યું તેથી તે એ હેબતાઈ ગયેલા માણસે અદકી હેબત અનુભવી.

*