પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિયોગના ઓછાયા વચ્ચે
૧૦૩
 


મૂકેલા મીઠા તેલના મોઢિયે દીવે વારંવાર મોઘરો ચડતો હતો, તેથી પતિ-પત્ની બન્નેને એમાં કોઈક અકળ ભાવિનાં અપશુકન દેખાતાં હતાં. વર્ષો થયાં જેનું વરણ બદલાયું જ નહોતું એ ખપેડામાં જામેલી અઘોચરમાંથી થોડી થોડી વારે ઓજીસારો ખર્યા કરતો હતો.

રાત્રિ મિલનની હતી, પણ આ ઓરડામાં મિલન કરતાં વિજોગના ઓછાયા જ વિશેષ હતા. આ જ સ્થળે આજથી વીસેક વર્ષ પહેલાં દેવશી અને ઊજમ પોઢ્યાં હતાં અને થોડા જ સમયમાં એમની વચ્ચે વિયોગ સરજાયો હતો. આ જ સ્થળે પરબત અને એની પત્ની મળ્યાં હતાં, અને પછી પરબતે ઘાસણીના રોગમાં શેરડીની જેમ પિલાઈ પિલાઈને પ્રાણ છોડ્યા હતા. એ વિયોગી આત્માઓના ઓછાયા હજી ય ઓરડાને ગૂંગળાવી રહ્યા હતા. આ શાપિત સ્થળ જાણે કે બાપોકાર કહી રહ્યું હતું : ‘હું કોઈને સુખી નહિ થવા દઉં... અહીં વસનારાને કોઈને કદાપિ સુખી નહિ થવા દઉં...’

વિયોગના ઓછાયાઓની આ ભીંસને કારણે જ કદાચ આ નવદંપતીને કશી મધુર ગોષ્ઠિ નહોતી સૂઝતી, કશા પ્રેમપ્રલા૫ જીભે નહોતા ચડતા. ઉચ્ચારાતી હતી માત્ર અંતરવલોવતી વ્યથા.

‘આતાને તો હવે આંખે ઓછું સૂઝે છે, પણ ઈ મલકના ઉતારની ખંધી આંખ્યમાં સાપોલિયાં સળવળે છે, ઈ તમારી નજરે કેમ ન કળાણાં ? ઢગ ભેગો ઈ ગુડાણો તંયે ફળિયામાં સહુની હાર્યે ખાટલે બેઠો’તો, તંયે ઈ મૂવા નિલજાની નજર રાંધણિયા સોંસરવી મને વીંધતી’તી, ઈ કેમ કોઈએ ભાળ્યું નઈં ?’

વ્યથિત સંતુ એકનો એક પ્રશ્ન ફેરવી ફેરવીને પૂછતી હતી.

ગોબર પાસે તો ફક્ત એક જ ઉત્તર હતો : ‘માંડણિયે હવે માફામાફી કરી લીધી છે. ગમે તેવો કલાંઠ તો ય અંતે તો કુટુંબનો માણસ છે. કાલે સવારે સારેનરસે પ્રસંગે ભાયાતનો દીકરો ખપ લાગશે, પારકો નહિ.’