પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
લીલુડી ધરતી
 

 નાટકનો આસ્વાદ આ બાજુના ઓરડામાં સૂતેલાં દંપતી માત્ર રેડિયો નાટકના શ્રવણની ઢબે જ માણી રહ્યાં હતાં. સંવાદો સુસ્પષ્ટ સંભળાતા હતા પણ એના ‘એક્‌શન’ કે ‘બિઝનેસ’નો બહુ ખ્યાલ આવી શકતો નહોતો. તેથી જ, પેલો ધડિમ્ અવાજ અને એની જોડે જ ઉચ્ચારાઈ ગયેલી ‘વોય માડી રે...’ની ચીસ સાંભળીને સંતુએ ગોબરને પૂછ્યું :

‘શું થયું ? શું થયું ?’

‘ઈ તો ગિધાએ ઝમકુ ઉપર પાનશેરીનું તોલું ફેંક્યું.’

‘અરરર ! પાનશેરીનું તોલું ?’

‘રોજ ફેંકે છે ઈ તો,’ ગોબરે સમજાવ્યું. ‘તોલું રાખ્યું છે તો રૂપિયાની નોટું દબાવવા સારુ. પણ જરૂર પડ્યે ગિધો ઝમકુ ઉપર એનો ઘા કરી લ્યે—’

‘પણ બાઈને બિચારીને વાગે નંઈ ?’

‘વાગે કોઈ વાર, માથામાં લોહીની ફૂટબૂટ થાય તો હળદર દાબી દિયે એટલે મટી જાય એની મેળે.’

આ નવદંપતી, પછીતની પેલી બાજુનાં રીઢાં દંપતીના જીવનવ્યવહાર વિષે આવી રસિક ગોષ્ઠિ કરી રહ્યાં હતાં, ત્યાં જ ઊંડાં ઊંડાં ગવ્હરોમાંથી કોઈનો દબાયેલે અવાજ ઊઠતો હોય એમ ઝમકુનો ૨ડતો સાદ કાને આવ્યો :

‘માડી રે ! મરી ગઈ...મરી...ગઈ...’

‘કાલ્ય મરતી હોય તો આજ મર્ય !’

‘હું મરીશ તો છૂટીશ ને તમે ય છૂટશો મારાથી. તમારે તો ગલઢે ગઢપણ હજી ઘરઘવાના કોડ છે ને !’

‘ઘરઘીશ, ઘરઘીશ; એક વાર નંઈ, સાત વાર ઘરઘીશ !’

ગોબરે સંતુને સમજાવ્યું કે ગિધો હજી શાપરના એક નાતીલાની છોકરી જોડે પુનર્લગ્ન કરવાનાં સપનાં સેવે છે, અને તેથી ઝમકુને પરેશાન કર્યા કરે છે.

પછીતના નેપથ્યમાં સંવાદ આગળ વધ્યો :