પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિયોગના ઓછાયા વચ્ચે
૧૦૯
 

 ‘જેમ કે’વું હોય એમ કિયો, પણ ઈ દુશ્મનથી દહ ગાઉ આધા રે’જો !’

‘ભલે, દહને બદલે વીહ ગાઉ આઘો રૈશ; હવે છે કાંઈ ? ઊંઘી જા ભલી થઈને !’

***

પણ આજે આ દંપતીનાં નસીબમાં ઊંઘ હતી જ ક્યાં ? જરાક જંપ્યાં. ન જંપ્યાં–ત્યાં તો પછીતની પેલી બાજુથી સાંકળ ખખડી અને ધીમો પડકાર થયો :

‘ગિધાભાઈ !’

ગિધાએ પૂછયું : ‘કોણ ?’

સામેથી અવાજ આવ્યો : ‘ઉઘાડજો જરાક.’

કોણ આવ્યું છે એની તપાસ કર્યા વિના આવી કાળી રાતે કમાડ ઉધાડી નાખે એવો ગિધો ગાફેલ નહોતો. એણે તો સ્પષ્ટ સંભળાવી દીધું :

‘નામ પાડ્યા વિના નઈ ઊઘડે.’

‘હું જીવોભાઈ છું.’ સાવ ધીમે અવાજ સંભળાયો.

તરત ઓરડામાં તાબડતોબ કશુંક આઘુંપાછું મૂકવાની, ઢાંકોઢૂંબો કરવાની વગેરે પ્રવૃત્તિ થતી જણાઈ. એ પછી જ કમાડનો આગળિયો ખસ્યો.

ફરી સંતુ અને ગોબર સચિંત બનીને આ નવી ઘટનાના સંવાદો સરવા કાન કરીને સાંભળી રહ્યા :

‘આવો જીવાભાઈ ! કાંઈ બવ અસૂરાં ?’

‘કામ પડ્યું છે. તમે તો અસૂરાં ય નામું માંડતા જાગો છો. એટલે તમારું કમાડ ખખડાવ્યું.’

ક્યારની કણસતી ઝમકુએ વચમાં ટમકો મૂક્યો ‘ભલે અસૂરું થયું. વખતી સુયાણી હજી ય જાગતી હશે; ઝટ બરકો, નીકર હું મરી જાઈશ.’