પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિયોગના ઓછાયા વચ્ચે
૧૧૫
 


‘કબૂલ.’

‘ગાયને ધણમાં સાવજ પડે તંયે ગોવાળ એને ડંગોરે ડંગોરે પૂરો કરે, એમ તું ય પૂરો કરી નાખીશ ને ?’

‘સાવજ ?’ સાંભળીને ગોબર ઘડીવાર વિચારમાં પડી ગયો. ‘સાવજ પડે એટલે ?’

‘સાવજ એટલે શાદૂળિયા જેવો કોઈ કપાતર મારો કોળિયો કરવા આવે, કે માંડણિયા જેવા કોઈ નારને નેડો લાગે તંયે તું એને—’

‘ડંગોરે ડંગોરે ભોંયભેગો કરી નાખીશ !’ ગોબરે ગર્વપૂર્વક કહ્યું.

‘ઓલા બારોટ વારતા કરતા એમાં તરકડા આવીને ગાયુંનાં ધણ વાળે છે, તંયે રાજાનો કુંવર નાગી તરવારે આડો ઊભો છે, ને પોતાનું માથું વધેરે છે, એમ તું ય—’

‘આડો ઊભીશ, ગવતરીની રખ્યા કરીશ.’ ગોબરે કહ્યું, ‘ને ખપ પડશે તો માથું દઈને ખપી જાઈશ—’

‘હાશ ! હવે મને નિરાંત્ય વળી !’ કહીને સંતુએ ગોબરની છાતી ઉપર અખૂટ વિશ્વાસથી માથું ઢાળી દીધું. અત્યારે એને મન પતિ એ માત્ર પોષણહાર નહિ પણ રક્ષણહાર બની રહ્યો. એની હૂંફમાં પોતે હેમખેમ છે, સલામત છે, એવી સાહજિક લાગણી અનુભવી રહેતાં એણે ઊંડો પરિતોષકસૂચક દીર્ઘ ઉચ્છવાસ મુક્યો. ગોબર એના માથા પર પ્રેમાળ હાથ પસવારી રહ્યો.

***

મોંસૂઝણું થવાને હજી સારી વાર હતી ત્યાં જ ગુંદાસર ગામ જાગી ગયું. ઉગમણે ઝાંપે ભૂતેશ્વરમાં ઈશ્વરગિરિએ પરભાતિયાં ગાવાં શરૂ કર્યા. આથમણે ઝાંપે પીરના તકિયા પર મુલ્લાંએ બાંગ પોકારી. ખેડુઓએ ગાડાં જોડ્યાં. કામઢી વહુવારુઓએ ઘંટી શરૂ કરી. કોઈ કોઈ ખોરડે તો શિરામણ માટેના ઊના ઊના રોટલા