પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
લીલુડી ધરતી
 

પણ ઢિબાવા લાગ્યા. હાદા પટેલની ખડકીમાં ઊજમ રાબેતા મુજબ સહુથી પહેલી ઊઠીને ઘંટીએ બેસી ગઈ હતી. એની ઘંટીનો ઘમ્મર ઘેરો નાદ ગાઢ આશ્લેષમાં પોઢેલાં આ નવદંપતીની નિદ્રામાં ખલેલ કરી શકતો નહોતો.

શેરીમાં ગાડાં જૂતીજૂતીને ખેતરે જવા લાગ્યાં એનો ખખડભભડ અવાજ સાંભળીને સંતુ સહેજ સળવળી તો એના કાને વિચિત્ર શબ્દો પડ્યા :

‘સતીમાની સાખે મેં આણું વાળ્યું છે... તમે નાતીલાં મને પૂછનારાં કોણ ?... શોગ શોગ શેનાં કરો છો ? પરબત દીકરો તો મારો હતો કે તમારો ?... હાલતાં થાવ હાલતાં...’

સંતુએ ગોબરને ઢંઢોળીને જગાડ્યો, પૂછયું : ‘આતા આ શું બોલે છે ?....’

ગોબરે કાન માંડ્યો. પિતાના શબ્દો સાંભળાયા :

‘હું કાંઈ તમારો વેચાણ છું કે તમને પૂછવા આવું.... મેં તો સતીમાને પૂછી જોયું... દાણા ચોખ્ખા નીકળ્યા. સતીમાએ હા ભણી એટલે સંતુનું આણું કર્યું—’

ગોબરે હસીને કહ્યું : ‘તું ગભરાઈ ગઈ ? આ તો આતાને ટેવ છે... ઊંઘમાં એકલા એકલા બોલ્યા કરે...’

‘સાચે જ ?’

‘હા, ઈ એકલા એકલા વાતચીત કરે, ઊભા થઈને આંટા મારે, હંધું ય ઊંઘમાં જ. એને પોતાને તો કાંઈ ખબરે ય નો હોય...’ ગોબરે કહ્યું : ‘એને સતીમા સરમાં આવે છે ને, એટલે ઘણીય વાર આવું થઈ જાય છે. એક વાર તો મધરાતે ઊઠીને ખેતરે પૂગી ગ્યા ને સતીમાને થાનકે દીવો કરીને પાછા આવીને ઊંઘી ગ્યા... હંધુ ય ઊંઘમાં ને ઊંધમાં જ !’

સંતુ અહોભાવથી પોતાના શ્વસુરની એક વધારે વિલક્ષણતા સાંભળી રહી. એ સાંભળીને દેવ જેવા એ સસરા પ્રત્યે એને વધારે