પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ પહેલું

મૃત્યુનું જીવન

હેતાળ માતાના વહાલસોયા ખોળામાં અણસમજુ બાળક પોતાની સલામતીની અખૂટ શ્રદ્ધા સાથે ઊંઘતું હોય એમ ગરવા ગિરનારની ગોદમાં લપાઈને ગુંદાસર ગામ પડ્યું હતું. માતાની છત્રછાયા તળે બાળક નિશ્ચિંત બની રહે, એમ આ નાનકડું ગામડું પણ ગિરનારની છાયામાં સ્વાભાવિક નિશ્ચિંતપણું અનુભવતું હતું. સૂરજદાદા જ્યારે ડુંગરની પેલી બાજુએ હોય ત્યારે આ બાજુએ દસવીસ ગામો ઉપર ગિરનારનો છાંયડો પથરાતો અને આ ગામો ઉપર ડુંગરની ત્રીજી ટૂંકે બિરાજતાં અંબામાતાની અમી નજર છે એવી વ્યાપક માન્યતા હતી.

આવી કાવ્યમય માન્યતાને, અંધશ્રદ્ધા ગણીને છેક ઊવેખવા જેવી પણ નહોતી. કાળે ઉનાળે પણ જે નદીનાં મીઠાં મધ પાણી સુકાતાં નહોતાં, જેનો પ્રવાહ ક્ષીણકાય થવા છતાં સાવ કપાઈ જતો નહોતો, એ ઓઝતને કાંઠે વસેલા આ ગામનાં જીવનવહેણ પણ ઓઝતનાં વહેણ જોડે વણાઈ ગયાં હતાં. ભરચોમાસે બે કાંઠે થઈને ઘૂઘવતી ઓઝત અનોખી નવોઢા જેવી મદમસ્ત હોય, શિયાળે એની ચાલ પ્રગલ્ભા જેવી શાંત હોય, ચૈતર−વૈશાખે એનું વાર્ધક્યવિગલિત વહેણ સાવ ક્ષીણ થઈને એક તરફને કાંઠે નાનકડા ખળખળિયાની જેમ વહેતું હોય; પણ આ વત્સલ નદી પોતાને કાંઠે વસતા પરિવારનું તો યથાશક્તિ પોષણ કરતી જ રહે.