પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂટતી કડી
૧૨૩
 

 ‘બીજો કઈ છેડોછૂટકો જ નંઈ રિયો હોય તંયે જ આમ કરવું પડ્યું હશે ને ?’

‘ભીનું સકેલ્યું. મારા ભાઈ !’

‘ઊછળ્યું ધાન ઉંબરે બાંધ્યું–’

‘બાંધે નઈ ને જાય ક્યાં ! કાલ્ય સવારે ઊઠીને ઢેઢફજેતા થાય તો કણબીભાઈને ક્યાંથી પોહાય ?’

‘સંતુડી તો જેમતેમ કરીને ઊંબરે બધાણી પણ ઓલ્યા શેજાદા શાદૂળભાના હવે ફજેતા ને ફાળકા થાય ઈ જોજો બેઠા બેઠા–’

‘એને નાગા માણહને નાવાનું શું ને નિચોવાનું શું ? જેને નઈં લાજ એને અડધું રાજ. તો આ તો ગામધણીનો કુંવર છે. એટલે આખું રાજ ગણાય—’

‘ઈ તો ધણીની માથે ય મોટો ધણી બેઠો છે રાજકોટની કોઠીમાં. ઈ કોઠીવાળાવે કિયે છ કે સાણસા ભીડ્યા છે–’

‘પણ ઈ તો આવીને જીવલા ખવાહને પકડી ગ્યા ને ?’

‘એકલા જીવલાને પકડ્યે હંધુ ય પતી જાય એમ ક્યાં છે ? ખરાખરીના ખેલ તો હજી બાકી છે. જીવતાં રિયો ઈ જોજો–’

શાપરમાં નવા બંધાતા મકાનના કારખાનામાં મિસ્ત્રીકામ, કરવા જતા ગુંદાસરના એક ભણેલા સુથાર જેરામે હળવેક રહીને પોતાના કોટના ગુંજામાંથી એક ચોળાયેલા ચોપાનિયાનો ડૂચો બહાર કાઢ્યો. ગુંદાસરના ૨જવાડી કુટુંબ જોડેના રઘાના જૂનાપુરાણા ઘરોબાની એને જાણ હોવાથી એ જરા આ ખસીને માંડણી પછવાડે બેઠો અને ૨ઘુ કશું જોઈ-સાંભળી ન શકે એ રીતે એણે સાવ ધીમે અવાજે વાંચવા માંડ્યું :

‘રૂપાં રબારણ ખૂનકેસના એક કહેવાતા આરોપી જીવા ખવાસની ધડપકડ થયા પછી પોલીસને આ ભેદી ખૂનખટલાની વધારે વિગતો મળી રહી છે. કહેવાય છે કે જીવાએ તો મરનારની લાશને ગઢના ભંડકમાં સગેવગે કરવામાં જ મદદ કરેલી. રૂપાના ખૂનનો સાચો