આરોપી તો જુદો જ છે. અને એ તો હજી પણ ગુંદાસરમાં છૂટો ફરે છે. પોલીસ વધારે બાતમી મેળવશે તો આ બનાવની ખૂટતી કડીઓ હાથ આવશે, અને આ કરપીણ ખૂનકેસનો સાચો ગુનેગાર પણ સહેલાઇથી હાથ આવી શકશે. અત્રે લોકલાગણી એવી છે કે આ કમકમાટીભર્યા ખૂનના ખટલામાં બધું ભીનું સકેલાવાનાં ચક્રો ગતિમાન થઈ રહ્યાં છે. સાચા ગુનેગારને મૂકીને ભળતા જ માણસોને હોળીનું નાળિયેર બનાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. પણ સાંભળવા મુજબ, સરકારનું પોલીસતંત્ર આ બાબતમાં ઘણું જ સાવધાન છે. અને આ બનાવની ખૂટતી કડીઓ—’
‘એલા કોણ છે ઈ ખૂટતી કડિયુંવાળો ?’ કર્ણદોષથી થોડું-ઘણું સાંભળી ગયેલા રઘાએ થડા પરથી જ ત્રાડ નાખી, સાંભળીને હૉટેલમાં સોપો પડી ગયો; અખબારનું વાચન અટકી ગયું. પોતાની ત્રાડનો કશો ઉત્તર ન મળ્યો એટલે રઘાએ વધુ ઉગ્રતાથી પૂછ્યું :
‘કોણ મૂવો છે આ માંડણી પછવાડે ? કોણ છે ઈ ચોપાનિયું વાંચીને ચોવટ કરનારો ? કોણ છે ઈ મોટો ભણેશરીના પેટનો ?...’
પોતાને સામેથી કશો ઉત્તર ન મળ્યો એટલે રઘાનો મિજાજ ધીમે ધીમે ઓછો થઈ ગયો. છતાં થોડી થોડી વારે એ બબડતો તો ૨હ્યો જ.
‘મારા હાળાંવ ! ચોવટ કરવી હોય તો ચોરે જઈને બેહો ને ? તમારા બાપની આ હૉટલમાં શું કામે ગુડાવ છો ? ભોઈની પટલાઈ કરનારા...’
રઘાનો આ મિજાજ જોઈને સહુ ઘરાકો મૂંગામંતર થઈ ગયા, હવે તેઓ જીભ ચલાવવાને બદલે આંખો વડે જ એકબીજા જોડે મૂંગી ગુફતેગો કરી રહ્યાં. આ આંગિક અભિનય વડે ચાલતી ગોષ્ઠી પણ કાંઈ ઓછી રસિક કે ઓછી અસરકારક નહોતી.
કાઠી છાતીવાળો ને કરડો ગણાતો રઘો અટાણે કોણ જાણે કેમ પણ એક વિચિત્ર પ્રકારની અસ્વસ્થતા અનુભવી રહ્યો. પેલું અખબાર