પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
લીલુડી ધરતી
 

 જેરામને લાકડીસોતી બથ ભરી લીધી અને હૉટેલના ઉંબરા બહાર ખેંચી ગયો.

‘ગામના ને ગામના જણ ઊઠીને બાધો છો શું કરવા ?’ વિષ્ટિકારો વીનવી રહ્યા. ‘કડિયાળિયું ઝીંકવી જ હોય તો ઓલ્યા ઉપર ગામવાળાં ડફેરુંની માથે ઝીંકોની ? રોજ ઊઠીને ભેળાણ કરી જાય છે તો યે ઈ ય પાંહર્યા થાય !’

‘ઈ વહવાયું ઊઠીને મને તાંબડી કહી જાય ?’ માનસિક ઉશ્કેરાટમાં હાંફી રહેલો રઘો હવે લાજ સાચવવા ફરિયાદ કરતો હતો.

‘પણ એમ તાંબડી કીધે તમે ક્યાં તાંબડી ફેરવવાના હતા ?’ લોકોએ રઘાને આશ્વાસન આપ્યું, ‘તમે તો સામા માણસને તાંબડી લેવરાવો એવા છો !’

‘એલા લોટમગા ! બવ ફોકિયાતી રે’વા દેજે, નીકર તારી ચોટલી મારા હાથમાં છે.’ હવે જેરામને પાનો ચડ્યો.

રઘાએ ફરી સૂડો ઉઘાડતાં પૂછ્યું : ‘શું બોલ્યો ? ફરી દાણ બોલ્ય જોયેં !’

હવે તો લાગ્યું કે મામલો હાથથી જ જશે. પણ સહુના આશ્ચર્ય વચ્ચે જેરામે સાવ ઠંડે કલેજે ને શબ્દેશબ્દ છૂટા પાડીને કહ્યું :

‘તારી ચોટલી–મારા–હાથમાં છે.’ અને અજબ સ્વસ્થતાથી એ તો રઘા પ્રત્યે તુચ્છકારભરી નજર નાખીને પીઠ ફેરવી ચાલતો થઈ ગયો.

સાંભળીને રઘો સમસમી રહ્યો. રોષથી હોઠ ધ્રુજી રહ્યા, પણ કશું બોલી શક્યો નહિ. પોતાની આંતરિક અસ્વસ્થતા ઓછી કરવા એણે નોકરને હુકમ ફરમાવ્યો :

‘છનિયા ! વાજાને ચાવી દે.’

હુકમ સાંભળીને ગ્રાહકોને તો ઠીક પણ ખુદ છનિયાનેય નવાઈ લાગી, હજી થોડી વાર પહેલાં જ વાજું વગાડવાની વિનંતી કરનાર ભૂધર મેરઈના વલભાને વડછકું ભરનાર ૨ઘો પોતે જ કેમ એકાએક