પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ અગિયારમું
આંસુની આપવીતી

ડેલીના ઊંબરા બહાર વર્ષોથી ઊભડક પગ પર માથું ટેકવીને બેસતા પંચાણ ડોસાએ અત્યારે અફીણના અમલનું પ્રમાણ બેહદ વધી જતાં બંને ગોઠણ વચ્ચે માથું ઢાળી દીધું હતું.

‘આવો જ પહેરો ભરતા રહેજો, પંચાણભાભા !’ કહેતોકને રઘો ડેલીમાં દાખલ થયો.

ડેલીના દરવાજામાં તો ઠીક પણ ઠેઠ રણવાસ સુધી રઘાને અબાધિત પ્રવેશનો અધિકાર હતો. દરબારનાં ગોલાંગોલીઓએ તો આ ચિરપરિચિત માણસને મુજરો જ કરવાનો હતો.

સમજુબાને ઓરડે જઈને બેઠો એટલે રઘાને જોઈને એક ગોલીએ ચક ઉતારવા માંડ્યો, એને સમજુબાએ વારી : ‘રે’વાદે, મોતી ! ચક નથી નાખવો’

અને પછી મોતીને સાંકેતિક ઇશારો કર્યો કે તુરત દાસી ક્યાંક ગાયબ થઈ ગઈ.

સમજુબાની વ્યથાભરી મુખમુદ્રા તરફ રઘો સચિંત નજરે તાકી રહ્યો. તેડું કરવા આવેલ પંચાણભાભાએ કહેલી વાત સાચી લાગી. એક અનંત રુદનની રેખાઓ ઠકરાણાના સોહામણા મુખ પર અંકાઈ ગઈ હતી.

વાતચીતનો આરંભ કેવી રીતે અને કયા મુદ્દાથી કરવો એ અંગેની સમજુબાની મૂંઝવણ રઘો પારખી ગયો તેથી એણે જ ઠાવકે મોઢે શરૂઆત કરી :