પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંસુની આપવીતી
૧૩૭
 

 ‘સોના જેવું કર્યું !’ સમજુબા વ્યંગમાં બોલ્યાં. ‘સાટામાં સોના ભારોભાર રૂપિયા લીધા છે રોયાએ !’

‘સાચું કિયે છ ?’

‘સાચું નંઈ તંયે ખોટું ?’ જેટલા રૂપિયા પોલીસને બાળ્યા એટલા જ જીવલાને બાળવા પડ્યા. ઈ મૂવો ઓછે લાકડે ક્યાં બળે એમ હતો ?’

‘સહુ ગરજ વરતે, બા !’

‘ચાર ચાર પેઢી આ ઘરની કઢી ચાટીને ઉછરેલા ઈ જીવલાને રોકડા રૂપિયા માગતાં જરા ય આંખ્યની શરમે ય નો નડી. કાળી રાત્યે, પાડાના કાંધ જેવાં ખેતરવાડી ગિધિયાને માંડી દેવાં પડ્યાં–’

‘ખેતરવાડીને શું કામે રૂવો છો બા ? ભગવાન શાદૂળભાને ક્રોડ વરહના કરે !’ રઘાએ કહ્યું. ‘પેટનાં જણ્યાંથી કાંઈ ખેતરવાડી વધારે છે ?’

‘પેટનાં જણ્યાં !’ સમજુબાએ વળી વ્યંગાત્મક સ્વરે કહ્યું.

એ વ્યંગનો અર્થ સમજતાં રઘાને જરા ય વાર ન લાગી, વાસ્તવમાં તો આ દુનિયા ઉપર શાદૂળનું અસ્તિત્વ જ સમજુબાના માતૃજીવનનો ભયંકર વ્યંગ હતો, અને એનું રહસ્ય એક રઘા સિવાય ભાગ્યે જ કોઈની જાણમાં હતું.

‘મેં તો પારકાને પંડ્યનો કર્યો, પણ હું તો નસીબની જ આગળિયાત, તી દીકરો અરઘ્યો જ નંઈ !’ સમજુબા ગદ્‌ગદ્ અવાજે બોલ્યાં. ‘હું તો બાળોતિયાંની બળેલ... હવે લાકડામાં ય નંઈ ઠરું !’

અને ઠકરાણાંનીની ખારેક જેવી આંખોને ખૂણે સાચાં મોતી જેવું એકેક આંસુ ઝબક્યું.

એ આંસુની આપવીતી તો આ ધરતીના પટ ઉપર એકમાત્ર રઘો જ જાણતો હતો :

આજથી ત્રણેક દાયકા પહેલાં સમજુબા થોરડીથી પરણીને ગુંદાસર આવ્યાં ત્યારે જુવાનજોધ તખુભાની આટઆટલા પંથકમાં