પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંસુની આપવીતી
૧૩૯
 

 અવતરવાની સંભાવના છે ? એ શેાધક નજરે ગુંદાસરમાં જ વેલજી સુથારનું ઘર શોધી કાઢ્યું. અમથી સુથારણને બાળકની આશા હતી, રતાંધળો વેલજી વરસો થયાં બેકાર હોવાથી ધાનધાન ને પાનપાન થઈ ગયો હતો. રઘાએ બરોબર પેંતરો રચ્યો, લાંબી લાલચ આપીને સુથાર દંપતીને સમજાવ્યાં. અમથીને પુત્ર અવતરે તો સમજુબાને સાંપી દેવો, પુત્રી અવતરે તો સહુ લાચાર. પણ રઘાની ધારણા મુજબ ‘ભોળા શંભુએ લાજ રાખી.’ અમથી સુથારણને, રઘાએ જ એ વેળા સમજુબા સમક્ષ ઉચ્ચારેલી ઉક્તિ મુજબ ‘દેવના ચક્કર જેવો દીકરો અવતર્યો.’ પોતાને પુત્ર જન્મે તો સમજુબાને સોંપી દેવાનો આગોતરો સોદો કરી બેઠેલી અમથીએ પુત્રજન્મ પછી પોતાના જ પ્રાણપુદ્‌ગળને પારકી માતાના હાથમાં સોંપતાં આનાકાની કરેલી, પણ ગરજુ ઠકરાણાંએ કોથળીઓનાં મોઢાં મોકળાં મૂકી દીધાં હતાં. ૨ઘાએ એક વેળા અતિઉત્સાહમાં કહી દીધેલું કે જોઈએ તો, છોકરાની ભારોભાર સોનું જોખી લ્યો !’ આખરે અમથી સોનું દેખીને ચળી ને પેલા દેવના ચક્કર જેવા દીકરાએ દરબારને આંગણે શાદૂળભા નામ ધારણ કર્યું....

પણ રઘાની કામગીરી એટલેથી જ પતે એમ નહોતી. રખે ને આ નાટકનું રહસ્ય બહાર પડી જાય તો ? શકરા જેવા ભાયાતોને આ ગોસમોટાળાની ગંધ આવી જાય તો ? સમજુબા પાસે આ મુશ્કેલીનો પણ ઉકેલ હતો. અમથી સિવાય બીજા કોઈને મોઢેથી આ ગુપ્ત બાતમી જવાનો ભય નહતો. પુત્રની સાચી માતા જ જો અહીંથી દૂર થાય તો સહુ નિશ્ચિંત બની જાય. એ માટે પણ સમજુબાએ રઘાને જ સાધવો પડ્યો. અમથીને રીતસર તડીપાર કરવાની જ યોજના હતી. એક ભયંકર કાવતરું યોજાયું અને રઘાએ એ પાર પાડવાનું માથે લીધું. અમથીને અનેક આંબાઆંબલી બતાવવામાં આવ્યાં; રતાંધળા પતિની રોજેરોજની મારઝૂડથી કંટાળેલી એ ગૃહિણી આખરે રઘા જોડે નાસી છૂટવા તૈયાર