પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંસુની આપવીતી
૧૪૧
 


મનોગ્રંથિ જ મુખ્ય ભાગ ભજવી ગઈ હતી. એક રાતે એણે તખુભાને ઓરડે રૂપાંને જોઈ અને તરત એણે ખીંટીએથી બેજોટાળી બંદૂક ઉતારીને ભડાકો કર્યો. એક જ ગોળીએ રબારણ વિંધાઈને ઢળી પડી. અવાજ સાંભળીને આજુબાજુથી જીવો ખવાસ અને સમજુબા દોડી આવ્યાં. માતાએ ઓરડામાં આવીને જોયું તો શાદૂળના હાથમાંની બંદૂકની નાળ ઢોલિયે પડેલા અપંગ તખુભાની છાતી ઉપર નોંધાઈ હતી. સમજુબા પતિ અને પુત્રની આડે ઊભાં રહ્યાં. ‘પહેલાં પરથમ મને વીંધી નાખ્ય, પછી તારા બાપુનો જીવ લેજે !’ અને શાદૂળને આ પારકી ‘માતા’ પર દયા આવી. નોંધેલી નાળ નમાવી દીધી. બંદૂકનો ઘા કરીને એ ઓરડાની બહાર નીકળી ગયો...

‘રઘા ! મને હવે હાથનાં કર્યાં હૈયે વાગે છે.’ સમજુબાએ પેટબળતરા વ્યક્ત કરી. ‘મેં તો સોનું ભણીને સાટવ્યું પણ કરમે, નીકળ્યું કથીર...’

‘હંધી ય લેણાદેણીની વાતું છે, બા !’ ૨ઘો પોપટવાક્યો વડે આશ્વાસન આપી રહ્યો.

‘પારકે જણ્યે મારું પેટ ને ઠાર્યું !’

‘નસીબની બલિહારી છે, બા !’

રઘાને મોઢેથી સંભળાતાં આવાં ટાયલાં વડે ઠકરાણાંને કશું સાંત્વન મળે એમ નહોતું. એમના હૈયામાં તો એક જુદી જ હોળી સળગતી હતી.

‘પારકો તો પારકો, પણ એક નામલેણું તો છે, એમ સમજીને હું તો મન વાળીને બેઠી’તી,’ સમજુબા બોલ્યાં, ‘પણ હવે તો એમાં ય મૂવા અદેખા ભાયાતુંએ હોબાળો ઉપાડ્યો છે.’

‘હેં ? શું ?’ રઘા માટે આ સમાચાર નવા હતા.

‘રોયા વાજસૂરિયાને કંઈક ગંધ્ય આવી ગઈ લાગે છે.’

‘શેની ?’