પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
લીલુડી ધરતી
 

 બતાવ્યું : ‘અમથી તો આફ્રિકે ગયા પછી ઝેરી તાવમાં મરી ગઈ !... અમથીને સાટે તેં તો હવે અમારાં મોત કરાવ્યાં !’

રઘો ગુનેગારની અદાથી નીચી મૂંડીએ ભોંય ખોતરતો રહ્યો એટલે સમજુબાએ એની ઊલટતપાસની ઢબે પૂછવા માંડ્યું :

‘તને સોંપ્યું’તું ઈ કામ તેં કર્યું કેમ નહિ ?’

‘બા ! સાચું કહું ? મારો જીવ ના હાલ્યો !’

‘શું બોલ્યો ?’

‘મારો જીવ નો હાલ્યો !’

‘જીવ નો હાલ્યો ? બાપુએ સોંપેલું કામ કરતાં જીવ નો હાલ્યો ? સાટામાં ગાંસડોએક રૂપિયા લેવા બહુ વા’લા લાગ્યા, ને કામ કરતાં જીવ નો હાલ્યો, કાં ?’

‘મારું કેવું માનશો, બા ?’ રઘાએ નિખાલસપણે નિવેદન કર્યું, ‘તમે સોંપ્યું’તું ઈ કામ કરવા તો ગ્યો, પણ મને બિચારી બાઈની દયા આવી. વહાણમાં બેઠા પછી મધદરિયે તો માલમના દેખતાં કાંઈ થાય એમ જ નહોતું; પણ આફ્રિકાને કાંઠે ઊતર્યા પછી—’

‘કાંઠે ઊતર્યા પછી તેં શું કર્યું, બોલ્યની ?’

‘કાંઠે ઊતર્યા પછી મેં વખનો વાટકો ઘોળ્યો’તો, પણ એને પાતાં મારી આંખ્યમાં આંસુ આવી ગ્યાં.’

‘આંખમાં આંસુ આવી ગ્યાં ?’

‘હા, સાચું કહું છું. આ કઠણ છાતીવાળા રઘાની ય પાંપણ ભીની થઈ ગઈ, ને હાથ થથરી ગ્યો. હાથમાં લીધેલો વખનો વાટકો ઢોળી નાખ્યો !’

‘પછી ? પછી !’ ઠકરાણાને હવે આ કિસ્સામાં વધારે રસ પડ્યો.

‘પછી તો અમે ઘરસંસાર માંડ્યો’

‘વેલકા સુતારનો સંસાર ભાંગીને ?’