પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
લીલુડી ધરતી
 

 ભેગી કલકત્તા કોર્ય ઊતરી ગઈ છે. ટાઢે પાણીએ ગઈ !’ કહીને રઘાએ સમજુબાને વળી સધિયારો આપ્યો. ‘ઈ આજ દી લગણ જીવતી રહી હોય તો મૂવેલી જ સમજો ની !’

‘ઈ તો જાણે કે સમજી. પણ કાલ્ય સવારે આ વાજસૂરિયો હોબાળો સળગાવે, વાત બેચરાઈ જાય, ને—’

‘વાતમાં શું માલ છે ?... એની સાબિતી શું ? એનો સાક્ષી–સાહેદ કોણ ? એક મારા સિવાય કોઈને આ વાતની જાણ નથી. ને મને તો મારીને રાઈ રાઈ જેવડા કટકા કરી નાખે તો ય મારા મોઢામાંથી એક હરફ નો નીકળે—’

આટઆટલી હૈયાધારણ મળ્યા પછી સમજુબાને કાંઈક ટાઢક વળી. છતાં બોલ્યાં :

‘રઘા ! શાદુળભાની ને મારી બેયની જીવાદોરી તારા હાથમાં છે, હો !’

‘એમાં આ રઘાને રહેવું પડશે બા ? તમે હજી આ ભામણ ઓળખ્યો નહિ. ખરે ટાણે હું માથું વધેરી દઈશ, પણ તમને કોઈને ઊની આંચ નહિ આવવા દઉં—’

‘બસ તો, તારે ભરોહે મારે ભવસાગર તરવાનો છે—’

‘બેડો પાર થઈ ગ્યો સમજી લ્યો ! વાજસૂરિયા જેવાને તો હું ચપટીમાં રોળી નાખીશ. આ રઘાને હજી ય તમે ઓળખ્યો નહિ. મને ખોળિયું ભલે ને ભામણનું જડ્યું, ભાલું તોળતાં હજી ભૂલ્યો નથી હું—’

‘હું ક્યાં નથી જાણતી ?’

‘તો ઠીક, તમતમારે મઝા કરો મૂળાને પાંદડે. આ રઘલો જીવે છે ત્યાં લગણ તમારા હંધા ય દશ્મન ઝખ મારે છે !’

સમજુબાના મનમાં ઘોળાતી સઘળી શંકા-કુશંકા નિર્મૂળ કરી રઘો ઊઠ્યો ત્યારે રાત બહુ વીતી ગઈ હતી. ડેલીને ઓટલે ઊભડક બેસીને ઝોકાં ખાઈ રહેલા પંચણભાભાને અમલનું ઘેન