પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
લીલુડી ધરતી
 

 ‘ધીરો ખમ્ય, ધીરો ! તું કાંઈ ઘોડે ચડીને આવ્યો છો ?’ રઘાએ રબારીને પ્રેમભર્યો ઠપકો આપીને શાન્ત કર્યો. બારણું ઉઘાડીને એમણે એક મોટી કડાઈમાં હૉટેલના વપરાશ માટેનું રોજિન્દુ પંદર શેર દૂધ રેડાવ્યું.

‘આજ તો કાંઈ બવ નીંદર ચડી ગઈ રઘાબાપા !’

‘ભાઈ ! ઊંઘને તો શાસ્તરમાં વેરણ કીધી છે. ઈના કોઈ ભરોસા નૈં—’

રઘાએ ઠાવકે મોઢે ઉત્તર તો આપ્યો, પણ ઉતાવળમાં ભીની પાંપણ લૂછવાનું ભૂલી ગયો હોવાથી ત્યાં તોળાઈ રહેલાં આંસુ વેજલની નજરમાં અછતાં ન રહી શક્યાં.

‘રઘાબાપા ! તમે રૂવો છો ? શું કામે, શું કામે ?’

રઘો વેજલને શી રીતે સમજાવે કે ‘ભાઈ ! મારું દુઃખ પણ તારા જેવું જ છે, આપણે બે ય સમદુખિયાં છીએ, ને આપણા બેઉના જીવનમાં વિયોગ સરજાવનાર ગામના દરબાર છે ?’

*