પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ બારમું
અડદનું પૂતળું

ગુંદાસર ગામમાં ગ્રામોફોન હતું, પણ રેડિયો હજી નહોતો આવ્યો. છતાં લોકોની જીભ જ એવી તો જોરદાર હતી કે વૃત્ત–વિતરણનું કામ એ વાયુ કરતાં ય વધારે વેગથી કરી શકતી. વેજલ રબારીએ રઘાની આંખમાં આંસુ જોયાં એ વાત થોડા દિવસમાં તો લગભગ ઘેર ઘેર પહોંચી ગઈ.

જે જે ઘેર વેજલનું દૂધનું લગવું બાંધેલું તે તે આંગણે આ રબારીએ કહી દીધું : ‘મેં રઘાબાપાને રોતાં ભાળ્યા !’

ઠુમરની ખડકીમાં આ સમાચાર વેજલને બદલે ધનિયા ભરવાડે પહોંચાડ્યા. વેજલ ને ધનિયો એક જ ખડકીના પડોસી એટલે રાત પડ્યે ફળિયામાં ખાટલા ઢાળીને બન્ને જણ સુખદુઃખની વાતો કરે. એ રીતે વેજલે રઘા મહારાજના કોઈક અદૃષ્ટ દુઃખની ને ભેદી આંસુની વાત કરેલી અને ધનિયાએ ઠુમરની ખડકીમાં ઢોર છોડવા જતી વેળા ઊજમને એ સમાચાર આપ્યા.

નીચું જોઈને, ઉદાસીન ચહેરે ગમાણમાંથી ગાયને છોડતી ઊજમને ઉદ્દેશીને ધનિયો બોલ્યો :

‘સાંભળ્યું ઊજમભાભી ? થોડાક દિ’ મોર્ય વેજલિયો રઘા માં’રાજની હોટરે દૂધ દેવા ગ્યો તંયે ગોરબાપા એકલા એકલા રોતા’તા !’

આવા મહત્વના સમાચારમાં ય ઊજમે કશો ઉત્સાહ ન બતાવ્યો તેથી ધનિયાને પુનરોક્તિનો દોષ વહેરીને ય ભારપૂર્વક કહેવું પડ્યું :