પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અડદનું પૂતળું
૧૫૫
 


સુખ નથી, આ ગામમાં મારી નજર સામે જ આટલાં માણસ જીવે છે : દરબાર તખુભા ને ઠકરાણાં સમજુબા; ગિધા ને એની વહુ ઝમકુ; માંડણિયો ને એની જીવતી; સહુના સંસાર ભડકે બળે છે. ૨ઘો મા’રાજ ગામઆખામાં ફક્કડ ગિરધારી જેવો થઈને ફરે છે, ને નફકરો હોવાથી સુખી લાગે છે, પણ ધનિયો ગોવાળ હમણાં જ કહી ગયો કે થોડાક દિ’ મોર્ય રોતો’તો ! રઘા જેવા રોનકી માણસને ય છાને ખૂણે રોવું પડે તો મારા જેવી કરમફૂટીને રોજ ઊઠીને રોદણાં હોય એમાં શી નવાઈ ?’

‘જજમાનની જે કલ્યાણ !’

‘ડેલી બહારથી ઘોઘર બિલાડા જેવો અવાજ સંભળાયો અને તુરત ઊજમ મનશું ગણગણી : ‘આવ્યો મારો ઓલ્યા ભવનો વેરી !’ અનેક ગામપરગામની ધૂળ વડે રજોટાયેલો અને વર્ષોથી નહિ ધોવાયેલો ખડિયો ખભે નાખીને, શાપરવાળા કામેસર મહારાજે ખડકીમાં પ્રવેશ કર્યો.

બ્રહ્મદેવતાનાં ખાસડાં ઉપર દસવીસ ગાઉની પગપાળી દડમજલની ધૂળના દાબા જામ્યા હતા. શ્રાવણ મહિનો નહોતો છતાં દાઢી ચોમાસાની ધ્રો જેટલો ઊગી નીકળી હતી. ચહેરા પરની નિસ્તેજતા કહી આપતી હતી કે ગોર મા’રાજને બેચાર મહિનાથી ચૂરમાના લાડુ મળ્યા જ નથી.

‘પગ ધોવાનું ચોખ્ખું પાણી લાવો. જલપાન કરવા તાંબાની ગોળીનું પાણી કાઢો. રસોઈ માટે અબોટ બેડું ભરી આવો. ચોકો કરવા ગૌછાણ હાજર કરો...’

લાંબી દડમજલનો શ્વાસ પણ હેઠો મૂક્યા પહેલાં કામેસરજીએ ઊજમને આટલી આજ્ઞાઓ તો સંભળાવી દીધી.

આજ્ઞા મુજબની સામગ્રીઓનો પ્રબંધ કરવા ઊજમ ધરમાં ગઈ ત્યાં થોડી વારે સંતુ રોટલા ઘડીને બહાર નીકળી એને જોઈને ગોર દેવતાએ ફરમાવ્યું :