પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૃત્યુનું જીવન
 


આમ ઉગમણે મસાણખડી ને આથમણે કબ્રસ્તાન, એમ મૃત્યુનાં બે પ્રતીકોની વચ્ચે ગુંદાસરનું જીવન પાંગરતું હતું. એ જીવનમાં ઝાકમઝાળ કે ઝલક જેવું બહુ નહોતું. બલકે, એકવિધતા અને શુષ્કતા ઠાંસોઠાંસ ભરી હતી. કવિતાને બદલે કાળી મજૂરીની એ જિંદગી હતી. ખેડૂતો અને અન્ય શ્રમજીવીઓ તો જાતતોડ પરિશ્રમ કરીને પેટિયું રળતાં, પણ પારકી મહેનત પર માલેતુજાર બનનારા વેપારીઓએ પણ અહીં પેટગુજારા માટે પરસેવો પાડવો પડતો.

આ શ્રમજીવનની યાંત્રિક જેવી ઘટમાળમાં જન્મ અને મૃત્યુ સિવાય ધ્યાન ખેંચે એવી ઘટનાઓ બહુ ઓછી બનતી. વરસ ઉપર વ૨સ અને દાયકા ઉપર દાયકા વીતતા જતા અને જિંદગીની એવી ને એવી રફતાર ચાલ્યા કરતી. આ રૂઢ થઈ ગયેલી રફતારમાં માત્ર વારપરબે એકાદ દિવસ થોડું વૈવિધ્ય આવી જતું — એકરંગી જીવનપટમાં આનંદઓચ્છવનાં થોડાં છાંટણાં છંટાઈ જતાં, અને ફરી એની એ જ ઘટમાળ ચાલવા માંડતી...

આજે આવું એક નાનકડું પરબ હતું, ભીમઅગિયારસનો દિવસ હતો. આ તહેવાર મુખ્યત્વે ખેડૂતો અને વસવાયાં શ્રમજીવીઓનો હોવાથી આખું ગુંદાસર એની ઉજવણીમાં સામિલ થયું હતું. ખેડૂતો તો આમે ય હવે ખેતરમાં નવી વાવણી માટેના વરસાદની રાહ જોતા નવરા બેઠા હતા, પણ વાડીપડામાં ય આજે કોઈએ કોશ જોડ્યા નહોતા. કારીગર વર્ગે આજે દુકાન ઉઘાડી નહોતી; મૂલીમજૂર કોઈ દાડી કરવા ગયા નહોતા. ગામ આખાએ આજે ભીમઅગિયારસનો અગતો પાડ્યો હતો તેથી જ ગિધા લુહાણાની હાટડીમાં આજે હકડેઠઠ્ઠ ઘરાકી જામી હતી. વારપરબે જ ઘીનો સ્વાદ ચાખી શકનાર લોકો આજે પાશેર-દોઢ પાશેર ઘી જોખાવી જતા હતા. મોટેરાંઓને અગિયારસનો ઉપવાસ હતો છતાં બારે ય મહિના જુવાર-બાજરા પર જ ગુજારો કરનારા