પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વારસં
૧૬૩
 

 આ વર્ષે પણ ગિધાએ હુતાશણી આવતાં પહેલાં એક મહિનાથી ગાડાં ભરીને નાળિયેર મંગાવી રાખ્યાં ને પોતાની હાટડીની સામે એક થાંભલો ખોડીને એના ઉપર પેટ્રોમેક્ષ પણ ટાંગી દીધી. આરંભમાં લોકોને પ્રોત્સાહિત કરવા માટે ગિધો પોતે જ અકેક બબ્બે નાળિયેરનું જોખમ ખેડીને રમવા લાગ્યો. અને એ રીતે ગામમાં આ વિશિષ્ટ પ્રકારના જુગારની હવા જમાવવાનો પ્રયત્ન કરી જોયો, પણ એમાં એ બહુ ફાવ્યો નહિ. વલભ એકલો રમવા આવતો હતો પણ જ્યારે મોટી મોટી હોડ બકે ત્યારે એની સામે ટક્કર ઝીલનારો કોઈ ના હોવાથી રમતમાં હજી રગ જામતો નહોતો.

ગિધો પણ જરા ચિંતામાં પડી ગયો. ધારણા પ્રમાણે નાળિયેરનો ઉપાડ નહોતો થતો. ગાડાંમોઢે મગાવેલા કોથળાનાં મોં સીવેલા રહી જશે ને બધો માલ પડ્યો રહેશે કે શું, એની ઉપાધિમાં હવે એ પૂરું ઊંઘી પણ નહોતો શકતો. નાળિયેર પડ્યાં રહેશે તો ઓછે અદકે ભાવે પણ વહેલામોડાં વેચાશે, પણ રોજ રાતે આ જબરજસ્ત પેટ્રોમેક્ષ બત્તીમાં જે ઘાસલેટ બાળું છું એનું શું ? એ બળતણ ક્યારે લેખે લાગે ? .

ગોબર રમવા આવે તો જ !

હોળી આડે હવે માંડ આઠ દિવસ રહ્યા છે. કેસૂડાંનાં રંગકૂંડાં ઘોળાવા લાગ્યાં છે. ગિધાની હાટેથી માખીમકોડા મિશ્રિત ખાંડના હારડા ને મીઠાઈની ખપત થવા માંડી છે. કણબીપાને નાકે હોળીમાતા પ્રગટાવવા માટે પંચાઉનો ફાળો ઉઘરાવાઈ રહ્યો છે, પણ આ દિવસમાં તો રોજ રાતે કોથળાબંધ નાળિયેર ફૂટવાં જોઈએ, એનાં કાચલાં–છોતરાંના ખાસ્સા ઢગલા થવા જોઈએ–એ ક્યાં થાય છે ? ગામનાં ટાબરિયાંઓને ખોબે ને ખોબે ટોપરાં ક્યાં મળે છે ? અને ગિધાની હાટડીના બરકતવાળા ગણાતા ઈસ્કોતરામાં રૂપિયાની ટંકશાળ ક્યાં પડે છે ?

કારણ ?