પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
લીલુડી ધરતી
 

 કારણ કે, ગોબર રમવા નથી આવતો...

પણ એ શા માટે રમવા નથી આવતો ? ભાઈબંધોને કુતૂહલ થયું. મોટેરાઓને પણ જિજ્ઞાસા થઈ. ઠુમરને ખોરડેથી શોગ પણ હવે તો ઉતારી નાખ્યો છે. દેવશીની પાછળ બ્રાહ્મણોએ ભરપેટ જમી લીધું છે, અને ગરુડપુરાણ વંચાઈ ગયું છે. પરબતના મૃત્યુ પછી બાકી રહી ગયેલ તે સપ્તાહ–પારાયણ પણ હવે તો પતી ગયું છે. બાર મહિનાનું આ પરબ ન ઊજવવાનું કોઈ જ કારણ રહ્યું નથી. તો પછી તેવાતેવડા ભાઈબંધો જોડે એ રમવા કેમ નથી આવતો ?

સાંજે વાડીએથી પાછા ફર્યા બાદ ગોબર વાળુપાણી પતાવીને રોજના નિયમ મુજબ ‘બીડીબાકસ’ લેવા બજારમાં નીકળે છે. ગિધાની હાટથી એ ઊભાંઊભાં ખરીદી કરે છે. ગિધો એને બેસાડવા મથે છે, નાળિયેર રમવાનો આગ્રહ કરે છે, પણ આ જુવાન કશુ સાંભળતો જ નથી. મૂંગો મૂંગો ખરીદી કરીને એ ઘરભેગો થઈ જાય છે.

એકબે વાર તો ખુદ હાદા પટેલે પણ પુત્રને કહી જોયું :

‘તારે નાળિયેર રમવા નથી નીકળવું ?’ ત્યારે ગોબરે એકાક્ષરી ઉત્તર જ આપી દીધેલો : ‘ના.’

પુત્રનો આ અવસાદ પિતાથી અજાણ્યો નહોતો. એ ઉદાસીમાંથી એને મુક્ત કરાવવા તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. આ નિર્દોષ રમતને નિમિત્તે પણ ગોબરનો હૈયાભાર ઓછો થાય એ ઉદ્દેશથી તેઓ વારંવાર રમવા જવાનું સૂચન કરી રહ્યા હતા. પણ પુત્રને મોઢેથી એકને એક નનૈયો સાંભળીને હાદા પટેલને થયું ગોબર પણ દેવશીની જેમ વૈરાગી થઈ જાશે કે શું ?

 ***

રાતના અગિયારેકનો સુમાર હતો. ગિધાની હાટડીની બહાર થાંભલે ટાંગેલી પેટ્રોમેક્ષી બત્તી ફુંફાડા નાખતી બળતી હતી. ગામના