પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વારસ
૧૬૫
 

 દસબાર જુવાનિયાઓ નાળિયેરની નાની નાની શરતો લગાવતા હતા. રમનારાઓમાં વલ્લભ મોખરે હતો, એની સાથે માંડણિયો હતો, જેરામ મિસ્ત્રી હતો, ભાણો ખોજો પણ શામિલ થયો હતો. ઘરડેરાઓ બંધ હાટડીઓના ઉંબરા પર પ્રેક્ષક બનીને બેઠા હતા.

માંડણિયો જીવતીને ઢોરમાર મારીને એના કાનનાં ઠોળિયાં કાઢી લાવ્યો હતા. ગિધાની હાટે એ ઘરેણાં ગિરવી મૂકીને એ વલભ સામે રમતમાં ઊતર્યો હતો. ડાબા હાથની મૂઠી વડે એણે દસ નાળિયેર ભાંગી નાખ્યાં હતાં ને બદલામાં સો નાળિયેર જીત્યો હતો. પગના ફણા ઉપર નાળિયેર મૂકીને પંદર ઘાએ એ ઓઝતના ભમ્મરિયા ઘૂનામાં નાખી આવ્યો હતો. એક પાણીચા પર છ વાર કોણી મારીને એણે કોપરું કાઢી નાખ્યું હતું...

આવી નાના પ્રકારની રમતો ડોસાંડગરાઓ માટે પ્રેક્ષણીય હતી, પણ સંતોષપ્રદ નહોતી. તેઓ તો અત્યારે ભૂતકાળમાં આ જ સ્થળે ખેલાઈ ગયેલી મોટી મોટી શરતો સંભારતાં હતાં :

‘આવું ટચૂક ટચૂક રમવામાં શું મઝા ? આવાં છોકરાંના ખેલ જોવામાં ય શું મઝા ?’

‘રમનારો તો ગામ આખામાં એક જ હતો – ઠુમરનો દેવશી. ભાર્યે છાતીવાળો જણ. એણે નથુ સોની હાર્યે સરત મારી’તી – ગુંદાસરને ઝાંપેથી અઢીસેં ફણે જુનેગઢ ઠેઠ અડીકડીની વાવ્યમાં નાળિયેર નાખી આવવાની. સહુ સાંભળનારાં તો ઠેકડી કરતાં’તાં કે અઢીસે ફણે તો ગુંદાસરની સીમ વળોટવાનું ય દેવશીનું ગજું નથી. પણ જુવાન પાણિયાળો નીકળ્યો. એણે અઢીસેમાં ય આઠ-દસ ઓછે ફણે અડીકડીના કુવામાં પાણીચું પધરાવી દીધું, ભાઈ !’

આવી ટચૂક ટચૂક રમતમાં પણ માંડણિયો એક વાર હારી ગયો. શરત હતી, સૂકા ખડખડિયા નાળિયેરને અદ્ધર ઉલાળીને એનો ગોટો રેડવી દેવાની, પણ એ શરતમાં ય મહત્ત્વની પેટા શરત એ હતી કે નાળિયેરમાંથી છૂટા પડનાર કોપરાનો ગોટો સાવ અકબંધ