પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
લીલુડી ધરતી
 

અડીકડી વાવને બદલે ઠેઠ અંબાજીની ટૂક સુધીની વાત છે. હજાર નાળિયેરનાં કાચલાં ફૂટે તો ય આરો ન આવે !’

સહુની નજર વલભ ઉપર ઠરી. પણ વલભે તો નિખાલસતાથી જ કહી દીધું : ‘ના, ભાઈ ! એવડી મોટી શરત રમવાનું મારું ગજું નંઈ!’

‘તો પછી, નાળિયેરની રમત તો ગુંદાસરની જ, એવી ખાંડ શેના ખાવ છો ?’ દલસુખે સંભળાવી.

સાંભળીને વલભને બદલે માંડણિયો સમસમી રહ્યો. એને થયું કે આ પરગામનો માણસ અત્યારે ગુંદાસરનું નાક કાપી રહ્યો છે.

‘શું કરું કે અટાણે મારા ગુંજામાં રાતું કાવડિયું ય રિયું નથી; જીવતીનાં ઘરેણાં તો સંધાંય વેચાઈ ગયાં છે, પણ હવે તો જીવતીને આખેઆખી જીવતી ગિરવું તો ય આવડી મોટી શરત ૨માય એમ નથી.’

દલસુખે હાંકેલી હુદબડાઈ સાંભળીને વાતાવરણમાં જાણે કે સોપો પડી ગયો. ડોસાંડગરાં પણ મનમાં ને મનમાં ઓઝપાઈ ગયા. આખરે એક જણે જુવાનિયાઓને ઉદ્દેશીને કહ્યું :

‘એલાવ ભાઈ ! કો’કનું તો રુંવાડું ઊભું થવા દિયો ? આમાં તો ગામ આખાની આબરૂ જાય છે. તમારું સહુનું પાણી મપાઈ જાય છે !’

‘પાણી ભલે મપાઈ જાય,’ વલભ બોલ્યો, ‘બાકી પાનસેં સાતસેં રૂપિયાનું પાણિયારું કરવાની મારામાં ત્રેવડ્ય નથી.’

‘અરે આજે ઠુમરનો દેવશી જીવતો હોત તો ત્રીજી ટૂંકે શું સાતમી ટૂંકે કાળકામાતાની ગુફામાં નાળિયેરનો ગોટો રેડવી આવત,’ એક ડોસાએ દેવશીને સંભાર્યો.

‘દેવશી મરની હાજર ન હોય ? એનો નાનો ભાઈ તો હજી છે ને ! ગોબરિયો રમશે આજે.’ માંડણે ઉત્સાહભેર કહ્યું. ‘હાલો, હાદા બાપાની ખડકીએ, ગોબરને જગાડીએ !’