સોથ વળી જાય.’
‘એની ફકર્ય તું શું કામ કર છ !’ ગિધો બોલ્યો. ‘મારી હાટનો મેડો ઠાંહોઠાંહ ભર્યો છે, ને ઘટશે તો જૂનેગઢ જઈને વખાર્યું ઉઘડાવશુ.’
‘વખાર્યુ કાંઈ અમથી થોડી ઊઘડશે ?’ ગોબરે આ શરતમાં થનાર સેંકડો રૂપિયાના ખર્ચની વાત કરી.
‘અરે ગાંડા ! કાવડિયાની ચિંતા તું શું કામ કર છ ?’ કહી મુખીએ તોડ કાઢ્યો. ‘આ તો તારે ગામવતી રમવાનું છે. હારજીત હંધું ય ગામને માથે લઈ લઉં છું. હવે કાંઈ ?’
‘અરે પણ એટલો બધો ભાર—’
‘મારી માથે ગણજે, જા ! હું સવારમાં ઊઠીને પંચાઉ ફાળો કરી નાખીશ. હવે છે કાંઈ ? ચૂલા દીઠ બેપાંચ ઊઘરાવી લઈશ, લે ! હવે તો રમવા જાઈશ ને ?’
ગોબર પાસે ન રમવાનું હવે કોઈ જ બહાનું ન રહેતાં એણે કહ્યું : ‘ના, મારાથી હવે મોર્ય જેવું રમાતું નથી. મારા ઘા હવે પહેલાં જેટલા આઘા ક્યાં જાય છે ? હવે તો નાળિયેર નાખું છું તંયે ઈ બે રાશ્યવા ય પૂરું નથી સેલતું.’
‘અરે ગાંડા ભાઈ ! બે રાશ્યવા ગામમાં કોનો ઘા સેલે છે !’ મુખીએ કહ્યું, ‘આ તો તારા ઉપર દેવશી હાથ મેલતો ગ્યો છ, એટલે વળી બાવડામાં આટલું ય જોર છે. બીજા જુવાનિયા તો રઘાબાપાની રાતીચોળ ચાયું પી પીને પોચા પાપડ જેવા થઈ ગ્યા છે.
હવે દલસુખે વચમાં મમરો મૂક્યો : ‘ગામમાં કોઈનું ગજું લાગતું નથી—’
‘એલા મોટા ! બવ અથરો થા મા.’ મુખીએ દલસુખને ટપાર્યો. ‘શેરની માથે ય સવાશેર જડી રે’શે, જરાક ધીરો ખમ્ય !’ અને પછી ગોબરને કહ્યું, ‘કરી નાખ્ય ગણતરી. માપી લે આંઈથી ગરનારની તળાટી લગીના ગાઉ ને ગણી લે ત્રણ ટૂંકનાં પગથિયાં. એકેક ઘાની બબે રાશ્ય જેટલી જગ્યા ગણીને ભાંગી નાખ્ય... ને દઈ દે