પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આડો ઘા
૧૭૫
 

 વહેલી પરોઢે પાદરમાંથી–ભૂતેશ્વરની દહેરી પરથી ફેંકાવાનું હતું. સંતુએ એ જ સમયે પાણીશેરડે પહોંચી જવાનું નક્કી કર્યું. પણ પાણિયારે જોયું તો બેડું તો ચિક્કાર ભરેલું જ પડ્યું હતું. પણ એથી મૂંઝાઈ જાય તો તો સંતુ શાની ? એણે બેડું ઉઠાવીને કશેક ખાલી કરી નાખવાનું વિચાર્યું પણ ક્યાંય લાગ ન ફાવતાં આખું બેડું નવેળામાં ઠલવવા ગઈ. ત્યાં તો ઊજમે એને પકડી પાડી.

‘એલી વવ ! આ શું કરે છે ? ભર્યું બેડું ઢોળી શું કામ નાખ છ ?’

‘તાજું ભરી આવવું છે, એટલે.’ સંતુ બોલી.

દેરાણીએ યોજેલો વ્યૂહ સમજતાં ઊજમને વાર ન લાગી : ‘એલી, એમ કહે ની કે પાણી ભરવાને બહાને પાદરમાં જઈને ગોબરભાઈને જોવો છે ?’

સંતુ સહેજ શરમાઈને આંખ નચવી રહી. એના મોઢા પરના ભાવ કહી રહ્યા : હા હા, જોવો છે. સાડીસાત વાર જોવો છે. વિજયપ્રસ્થાન કરી રહેલા સુભટને એની સહધર્મચારિણી નહિ નિહાળે તો બીજું કોણ નિહાળશે ?

સંતુના મનમાં માત્ર એટલો જ રંજ હતો કે જૂના જમાનામાં સમરાંગણે સિધાવતા યોદ્ધાના કપાળમાં થતાં શુભ શકુનસૂચક કુમકુમતિલક પોતે કરી શકે એમ નહોતી. ગોબરને લલાટે કંકુ–અક્ષત ચોડી શકે એમ નહોતી, તેથી એ અભિષેક તો એણે પાણીશેરડે ઊભીને કેવળ અમીભરી આંખ વડે જ કરવો રહ્યો હતો.

અને એ અભિષેક એણે મનભર કર્યો.

કૂવાને કાંઠે આટલા વહેલા પરોઢમાં પણ ચાર–પાંચ કામઢી વહુવારુઓ બેડાં લઈ લઈને પહોંચી હતી; એમાં ટપુ વાળંદની વહુ રૂડી પણ હતી. બેડું ઊટકતાં ઊટકતાં એ પોતાની પડખે