પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
લીલુડી ધરતી
 


અમરગઢવાળા જુવાનિયાવ સિગરેટું ટાહોડે છે. ગામમાંથી નાળિયેરના નવા નવા કોથળા ગાડામાં ઠલવાય છે... એમાં ગામના નાતપટેલને ખબર પડી કે ગુંદાસરના મુખી ગામના પાદરમાં ઊતર્યા છે. ભવાનદાની સુવાસ તો તમે જાણો છોને ! નાતપટેલ ઉઘાડે પગે પાદરમાં આવ્યા... પાઘડી ઉતારીને મુખીને પગે લાગ્યા. બોલ્યા : ‘મારા ગામના પાદરમાં થઈને મે’માન પરબારા હાલ્યા જાય તો મારું નહિ, ગામનું નાક વઢાય. વાળુપાણી કરાવ્યા વન્યા ગાડાં નહિ જૂતવા દઉં... ભાઈ ! ઈ તો નાતપટેલનો હકમ... ધડોધડ મંગાળા મંડાઈ ગ્યા... ધડોધડ મોટા મોટા દેગમાં ખીચડી ઓરાઈ ગઈ... ફટોફટ ઢોર દોવાઈ ગ્યાં... ચપોચપ ભાણાં મંડાઈ ગ્યાં... પાદરમાં તો જાણે કે મોટો જગન મંડાણો હોય એવું થઈ પડ્યું... જોયું હોય તો જાણે નાત જમવા બેઠી... વાળુપાણી પત્યાં એટલે મુખીએ નાતપટેલને કીધું કે ચાર કિશનલેટ જોયેં...’

‘કિશનલેટ તો ગિધાની હાટડીવાળી ઉતારી ગ્યા’તા ને ?’ સંતુએ ટીહાને એના વર્ણનમાં ખલેલ કરીને પૂછ્યું.

‘રાતવરતનાં નાળિયેર રેડવવાં તી કાંઈ એક જ કિશનલેટમાં સરખું સુઝે ખરું ? ગોટો ક્યાં સુધી ૨ડ્યો, કયે ઠેકાણે ભાંગ્યો, કઈ જીગાએ લીટો આંકવો, ઈ હંધુય સારીપટ ઉજાશ વન્યા કેમ કરીને સમજાય ?’ કહીને વળી ટીહાએ વર્ણન આગળ ચલાવ્યું :

‘ઈ તો મુખીના મોઢામાંથી બોલ નીકળ્યો ઈ ભેગી તો નાતપટેલે ફૂઉંઉં... ફૂઉઉં... ફૂંફાડા મારતી ચારે કિશનલેટું હાજર કરી દીધી. ટપુડા વાણંદે ગોબર જમાઈને તેલ ચોળીને સારીપટ ચાકરી કરીને તાજોમાજો કરી દીધો. મુખીએ અવાજ કર્યો કે હાલો ઝટ, રાતોરાત જુનાગઢ પુગાવી દીયો; ડુંગરની તળેટીમાં રાતવાહો કરવો છે. ને ગોબર જમાઈએ નાળિયેર ઉપાડ્યું. શાપરના પાદરમાં લીટો આંકી રાખ્યો’તો ઈંયાં કણેથી એણે નવો ઘા કર્યો... આ હા હા ! શું ઈ ઘા સહેલ્યો છે, કાંઈ ઘા સહેલ્યો છે ! આરસપહાણ જેવી