પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
લીલુડી ધરતી
 


પરાજયમાં પલટાઈ ન જાય, એ અંગે એ સતત ચિંતા કર્યા કરતી હતી.

વહેલી પરોઢે ઊજમ દળણું કરવા ઊઠી ત્યારે સંતુએ વલોણું હાથમાં લેતાં કહ્યું :

‘હવે ડુંગર ચડવાનું ટાણું થ્યું હશે ?’

‘પહેલાં તો ઊજમને સમજાયું નહિ કે સંતુ શાની વાત કરે છે. પછી તુરત ગોબર અને અંબામાને પગથિયે આંબવાની શરત યાદ આવતાં એ બોલી :

‘એલી વવ ! તું તો જાગતાં ને ઊંઘતાં એક જ વાતનું રટણ લઈ બેઠી છો !’

‘હું ઊંઘતી જ નથી; આજે રાત આખી જાગી છું.

‘નાળિયેર રમવા તો મારા ભીમડાના બાપુ પણ જાતા. છેક અડીકડી વાવમાં નાળિયેર નાખી આવ્યા’તા. પણ આવા અજંપા તો અમને કોઈ દિ’ થ્યા નો’તા.’

‘અડીકડી વાવ કરતાં તો આ વધારે આવ્યું છે. અડીકડી તો ડુંગરની તળાટીમાં જ, આ તો ડુંગર ઉપર ઠેઠ ત્રીજી ટૂક લગણ જાવાનું.’ સંતુએ કહ્યું. ‘આ છેટું ય વધારે ને એમાં જોખમે ય ઝાઝું ને !’

વહેલી પરોઢથી સંતુ આ જોખમનો વિચાર કરતી રહી. ગોબર જીતશે કે હારશે એની અનિશ્ચિતતા એને અકળાવી રહી. તળેટીમાંથી ડુંગરનું આરોહણ કેવી રીતે કર્યું, કયે સમયે કર્યું, એ સમાચાર જાણવાની એને અનહદ ઈંતેજારી હોવા છતાં એ માટેનું કોઈ જ સાધન સુલભ નહોતું.

જેમતેમ કરીને એણે સાંજ તો પાડી, પણ આ વિયોગની રાત વિતાવવી મુશ્કેલ હતી. મનમાં વિચારતી રહી : રમત તો હવે પૂરી થઈ જ ગઈ હશે; શરતની હારજીત નક્કી થઈ ગઈ હશે.