પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ પંદરમું
પાછલી રાતે

સંતુનો એ અજંપો ત્યારે જ ઓછો થયો જ્યારે ગોબરને સ્વમુખેથી આખી ય ઘટનાનો અહેવાલ એને સાંભળવા મળ્યો.

‘પછી ?’

‘પછી તો તલાટીની ધરમશાળામાં જ ઠૂંગાપાણી કર્યાં, મુખીએ હુકમ કર્યો કે પ્રાગડ વાયા મોર્ય જ ડુંગર ચડવા માંડવું છે, એટલે સહુ ઝટપટ સાબદા થઈ જાવ—’

‘પછી ? પછી ?’

‘પછી તો સામટાં નાળિયેરના કોથળા ઉપડાવવા મજૂર કર્યા : બે ડોળીવાળા બાંધ્યા.’

‘ડોળીયું બાંધી ? કોને સારુ ?’

‘એ તો મુખી સારુ, ભવાનદા આમે ય ગલઢું માણસ, ને વળી ભાર્યે કાયા...’

‘પણ બીજી ડોળીમાં કોણ બેઠું ?’

‘દલસુખશેઠ.’

‘દલસુખ ? ઈ તો જવાનજોધ લાગે છે, ને ડોળીમાં બેહતાં શરમાણો નઈં ?’

‘ઈ જવાનજોધ સાચો, પણ શહેરનો. સવારમાં ઊઠીને શિરામણને સાટે નાસ્તો કરનારો... દહીં- રોટલાને સાટે ચા ને ગાંઠિયા ખાનારો.' પાંચ પગથિયાં ચડે ત્યાં તો હાંફી રિયે. ઈ તો સાવ જાપાનીસ !’