પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછલી રાતે
૧૮૯
 


‘સાવ જાપાનીસ હતો મૂવો. મોટે ઉપાડે રમવા શું કામ આવ્યો’તો ?’

‘એને પોતાને ક્યાં રમવાનું હતું ? એના વતી તો એનો વેરસીડો રમવાનો હતા. દલસુખ તો ગુંજામાં નોટું ભરીને જ આવ્યો’તો.’

ફાગણ મહિનાની એક પાછલી રાતે સંતુને ઓરડે આ સંવાદ ચાલી રહ્યો હતો. ગામમાં સોપો પડી ગયો હતો. સર્વત્ર બોલાશ બંધ થઈ ગયો પછી આ યુગલને જાણે કે વાચા ફૂટી હતી ગિરનારની ત્રીજી ટૂક પર ભજવાઈ ગયેલ કરુણ ઘટનાનો અહેવાલ ગોબર આમ તો દિવસ દરમિયાન અનેક વાર વર્ણવી ગયો હતો, સંતુએ એ સાંભળ્યો પણ હતો, છતાં અત્યારે પોતાના ઓરડાના એકાંતમાં એક જ ઢોલિયે બેસીને એ વૃત્તાંત જાણવામાં આ યુવતીને ઔર લિજ્જત આવતી હતી.

‘પછી ? પછી ?’

‘પછી તો જરાક મોંસૂઝણું થ્યું કે તરત મેં તળાટીમાં પહેલે પગથિયે ઊભીને નાળિયેર ફેંક્યું. વાંહે માંડણિયો ને વેરસીડો વાજોવાજ ધોડ્યા. જી પગથિયે જઈને ગોટો ઠેર્યો’તો ઈ પગથિયું આંકીને ઊભા રિયા.’

‘માંડણિયે બવ દાખડો કર્યો !’

‘દાખડો કર્યો એમ નહિ. સાચા દિલથી કર્યો. ઈ માણહમાં તને વશવા નો’તો, પણ આ ડુંગર ચડવામાં એણે દેખાડી દીધું કે એની જીભમાં મર કાંટા ભર્યા, પણ એના પેટમાં પાપ નથી. વેરસીડો કપટી માણસ હતો... નાળિયેર પૂગ્યું હોય એના કરતાં પાંચ પગથિયાં ઓર લીટો તાણે એવો. એક વાર મુખીને આ કૂડની ખબર પડી ગઈ એટલે એણે માંડણિયાને ચેતવી દીધો. પછી એને કહેવું ય પડે ? નાળિયેર ફેંકાય કે તરત વાંહોવાંહ માંડણિયો ઊડે. જી ઠેકાણે ગોટો થંભે ઈ જ ઠેકાણે એનો પગ થંભે. વેરસીડા આગળ